રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરથી ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સ લાવી રૂા,2500ની પડીકી વેચ્યાની કબુલાત
યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના વેચાણ અને સેવન સામે પોલીસે ઝુંબેશ શરૂ કર્યા બાદ યુનિર્વસિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે એમ.ડી.ડ્રગ્સની પડીકી વેચવા આવેલા બે શખ્સોને બાતમીના આધારે એસઓજીએ ઝડપી લીધા છે. બંને શખ્સો પાસેથી રૂા.40,400ની કિંમમતનું 4.04 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કરી તેની સાથે સંડોવાયેલા રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરના શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પી.આઇ. એમ.બી.નકુમ, પી.એસ.આઇ. ડી.બી.ખેર, એએસઆઇ ફિરોજભાઇ શેખ, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઇ અમરેલીયા અને વિરમભાઇ ધગલ સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન યુનિર્વસિટી રોડ પર શહિદ ભગતસિંહ ગાર્ડન પાસે બે શખ્સો એમ.ડી.ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી યુનિર્વસિટી રોડ પર રહેતા ઉમંગ ગોવિંદ ભૂત અને જામનગર રોડ પર બજરંગવાડી પાસે રહેતા જલાલ તાલબ કાદરી નામના શખ્સોને રૂા.40,400ની કિંમતના 4.04 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. બંને શખ્સો પાસેથી એક બોટલ વિદેશી દારૂ, બે મોબાઇલ,ત્રણ ઇન્જેકશન, વજનકાંટો, પ્લાસ્ટીકની કોથળી અને બાઇક મળી રૂા.55,500નો મુદામાલ કબ્જે કર્યો છે.
ઉમંગ ભૂત અને જલાલ કાદરીની પૂછપરછ દરમિયાન બંને એમડી ડ્રગ્સનો નશો કરવાની ટેવ છે. એમડી ડ્રગ્સના ખર્ચને પહોચી વળવા માટે પોતે જ એમડી ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યુ હતી. ડ્રગ્સ તેઓ રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરના ડ્રગ્સ પેડલર પાસેથી મગાવતા હોવાની કબુલાત આપતા પોલીસે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરના શખ્સોની શોધખોળ હાથધરી છે.