ચુનારાવાડમાં ગાળો બોલવાની ના પાડતા સાળા-બનેવીએ પ્રૌઢને લાકડીથી માર માર્યો
શહેરમાં જુદા જુદા ચાર સ્થળોએ મારામારીના બનાવ સામે આવ્યા છે. જેમાં રતનપરમાં ટાઉનશિપમાં પાણી પ્રશ્ને આધેડ પર બે શખ્સોએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ચુનારાવાડમાં ગાળો ન બોલવાની ના પાડતા સાળા અને બનેવીએ પ્રૌઢને માર માર્યાનો બનાવ પણ સામે આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રતનપરમાં હર્ષિલ ટાઉનશિપમાં રહેતા અને કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ જીવણભાઈ ટીંબડીયા નામના 46 વર્ષીય આધેડ પર તેમની સોસાયટીમાં રહેતા અશોકસિંહ અને કમલેશ ધોબી સહિતના શખ્સોએ માર મારતા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે કમલેશ ધોબી પાણીનો વધુ ઉપયોગ કરતો હોય જે બાબતે ટપારવા જતા ઉશ્કેરાયેલા બંને શખ્સોએ આધેડને માર માર્યો હતો.
અન્ય બનાવમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા અને ગાદલા ભરવાનુ કામ કરતા સિકંદરભાઈ હુસેનભાઇ સોલંકી નામના 50 વર્ષીય પ્રૌઢ પર ફિરોઝ અને તેના સાળા અશ્મીનએ લાકડી વડે હુમલો કરતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અશ્મીન ગાળો બોલતો હોય જે બાબતે ટપારતા સાળા અને બનેવીએ હુમલો કર્યાનું જણાવ્યું હતું.
તો ત્રીજા બનાવમાં દેવપરા વિસ્તારમાં વિવેકાનંદ -3ળફ રહેતા વિક્રમસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના 30 વર્ષીય યુવાનને કોઈ અગમ્ય કારણોસર રાત્રીના બે વાગ્યાના આસપાસ સાગર ચોકમાં પરાગ, મન, ભરત, હિરેન અને અજાણ્યા શખ્સોએ ધોકાથી માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તો અન્ય બનાવમાં રૈયાધાર મફતિયાપરામાં રહેતા પ્રવીણભાઈ પોપટભાઈ વેગડા નામના 32 વર્ષીય યુવાન રાધેશ્યામ ગૌશાળા પાસે સાંજે 7:30 વાગ્યાની આસપાસ ઘર પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સે છરી ઝીંકી દેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.