પોલીસને પડકાર ફેંકતાં રીક્ષા ગેંગ
શાપર – વેરાવળથી રીક્ષામાં બેસાડી અધવચ્ચે ઉતારી અન્ય રીક્ષા ચાલકે અવાવરૂ સ્થળે લઈ જઈ મરણ મૂડી લૂંટી ત્રિપુટી ફરાર
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પોલીસને પડકાર ફેંકતાં રીક્ષા ગેંગ સક્રિય થઈ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં શાપર – વેરાવળથી બિહાર જવા માટે રાજકોટ જંકશન આવી રહેલા બે શ્રમિકોને સસ્તા ભાડામાં બેસાડી અવાવરૂ સ્થળ પર લઈ જઈ છરીના ઘા ઝીંકી બંને યુવાનોને લૂંટી ત્રિપુટી ફરાર થઈ ગઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર વેરાવળમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ બિહારના બે મિત્રો શ્રીરામ સેવક કુશવાહા (ઉ.વ.૩૦) અને પ્રવિણ કુશવાહા (ઉ.વ.૩૨) ને રીક્ષા ગેંગના ત્રણ સાગરીતોએ છરી વડે હુમલો કરી રૂ.૫૫૦૦ની લૂંટ ચલાવી નાસી જ્ઞાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલના બિછાને રહેલા શ્રીરામ કુશવાહા અને પ્રવિણ કુશવાહાએ જણાવ્યું હતું કે બંને મિત્રો શાપર ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે. બંને મિત્રોને બિહાર જવા માટે રાજકોટ રેલવે જંકશન જવું હોય તે માટે શાપરથી રીક્ષા કરાવી હતી. જેમાં રીક્ષા ચાલકે સસ્તું ભાડું કહેતા બંને મિત્રો રીક્ષામાં બેસી ગયા હતા. જ્યાંથી રીક્ષા ચાલકે ગોંડલ ચોકડી પહોંચી બંને મિત્રોને ઉતારી અન્ય રીક્ષામાં બેસાડી દીધા હતા.
બીજા રીક્ષા ચાલક અને અન્ય એક શખ્સે બંને યુવાનોને અવાવરૂ જગ્યા લઇ જઇ ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી બંને યુવાનોને લૂંટી લીધા હતા. હુમલામાં ઘવાયેલા બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.