- આંગણવાડીમાં મહિલા મોડા આવતા હોય અને સીસી રોડ ખોદતા ઠપકો આપતા લોખંડના પાઈપ અને ધોકાવડે સામ-સામા મારામારી: બંને પક્ષે મળી મહિલા સહિત પાંચ સામે નોંધાતા ગુનો
રાજકોટ તાલુકાના હડમતીયા (બેડી) ગામે જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં અહીંના મહિલા સરપંચના એડવોકેટ પતિ તથા સામાપક્ષે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. મારામારીની આ ઘટનાને લઇ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ હડમતીયા(બેડી) ગામે રહેતા મહિલા સરપંચ પારૂલબેનના એડવોકેટ પતિ ભાવેશભાઈ રઘુભાઈ બાંભવા દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગામમાં જ રહેતા હરગોવિંદ કુબાવત, પરશુરામ કુબાવત અને ભારતીબેન હરગોવિંદભાઈ કુબાવતના નામ આપ્યા છે.
એડવોકેટએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના 9:00 વાગ્યા આસપાસ તે ઘરેથી ઓફિસ જવા માટે નીકળ્યા હતા ત્યારે અહીં ગામના ગેટ પાસે મારૂતિ પાનના ગલ્લે સિગારેટ પીવા માટે ઊભા રહેતા અહીં આરોપી હરગોવિંદ ઉભો હોય તેણે કહ્યું હતું કે, તારે આ બાજુ આવવાનું નહીં તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. બાદમાં ગાળો આપવા લાગતા ગાળો દેવાની ના કહેતા તે દોડીને પોતાના ઘરે જઈ ધોકો લઈને આવ્યો હતો અને એડવોકેટ પર હુમલો કરી દીધો હતો. દરમિયાન એડવોકેટના ભાઈ મહેશભાઈ આવી જતા અને છોડાવવા જતા હરગોવિંદનો નાનો ભાઈ પરશુરામ તથા ભારતી પણ આવી ગયા હતા અને તે પણ મારમારવા લાગ્યા હતા. હુમલામાં ઘવાયેલા એડવોકેટને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મારામારીમાં એડવોકટને માથાના ભાગે 7 ટાકા આવ્યા હતા.
બાદમાં એડવોકેટે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આજથી ચારેક માસ પૂર્વે હરગોવિંદ કુબાબત કે જેની પત્ની ભારતી આંગણવાડીમાં નોકરી કરતી હોય તે સમયસર નોકરીમાં હાજર રહેતી ન હોય તેમજ તેણે ગામમાં બનાવેલ સીસી રોડ તોડી નળ કનેક્શન લીધું હોય જેથી તેના રીપેરીંગનું કહેતા ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો છે.
સામાપક્ષે હરગોવિંદ અરવિંદભાઈ કુબાવત (ઉ.વ 35) દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે એડવોકેટ ભાવેશ બાંભવા, મહેશ બાંભવાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના 9:00 વાગ્યા આસપાસ તે અહીં મારૂતિ પાનના ગલ્લે ફાકી લેવા માટે જતા અહીં ભાવેશ બાંભવા તથા તેનો ભાઈ મહેશ ઉભા હોય તેણે કહ્યું હતું કે, તને આ બાજુ આવવાની ના પાડી છે છતાં શું લેવા આવ્યો છું કહી ગાળવા આપી હતી. બાદમાં લોખંડના પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. જેમાં યુવાન નીચે પડી જતા ઢીકાપાટોનો માર મારવા લાગ્યા હતા. બાદમાં યુવાનના મોટાભાઈ અને તેની પત્ની આવી જતા તેને વધુ મારામાંથી બચાવ્યો હતો અને ત્યારબાદ 108 મારફત સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
હરગોવિંદ કુબાવતે પણ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચેક માસ પૂર્વે અમારા ઘરે નળ કનેક્શન લેતા રોડનું ખોદકામ કર્યું હોય જે બાબતે ભાવેશ બાભંવાએ મને માર મારતા જે તે સમયે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે સામસામી ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.