કામ માટે પૂછવા આવેલી અજાણી મહિલાઓને તુરંત જ કામ પર રાખી લેતા કળા કરી ટ્રેનમાં પલાયન
રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા નૂતનનગરમાં રહેતા મહિલાના ઘરે બે અજાણી મહિલાઓ ઘર કામ માટેનું પૂછવા આવતા તેમને તુરત જ કામ પર રાખી લેતા બંને અજાણી મહિલાએ તે ઘર માં રહેલા સોનાના રૂ.5.53 લાખની ચોરી કરી રફફૂચક્કર થઈ ગઈ હોવાની ફરિયાદ માલવિયા પોલીસમાં નોંધાતા પોલીસે બંને તસ્કર મહિલાની શોધખોળ હાથધરી છે.
વિગતો અનુસાર કાલાવડ રોડ પર આવેલા નુતનનગરમાં રહેતા કૌમુદીનીબેન અતુલભાઈ મણિયારે માલવિયા પોલીસમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા. 28 જાન્યુઆરીના રોજ સવારે બે અજાણી મહિલાઓ તેમના ઘરે આવી હતી અને કહ્યું કે લોકડાઉનના કારણે અમારું કામ ચાલતુ નથી. જેથી અમારે કામ જોઇએ છે. તેમને પણ કામવાળાની જરૂર હોવાથી બંને મહિલાઓને કામે રાખી લીધા હતા. જેમાંથી એકે પોતાનું નામ સીમા જણાવ્યું હતું. બીજી મહિલાનું હજુ પૂછ્યું ન હતું. આવતાની સાથે જ બંને મહિલાઓ કામે વળગી ગઇ હતી.
આ દરમિયાન પોતે પૂજા પાઠ કરતા હતા તે વખતે બંને મહિલાઓએ કબાટમાં રાખેલા રૂા. 5.53 લાખની કિંમતના સોનાના ઘરેણા લઇ લીધા હતા. થોડીવાર બાદ બંને મહિલાઓ રવાના થઇ ગઇ હતી. તે પહેલા બંનેને બીજા દિવસે આધાર પૂરાવા સાથે લઇ આવવાનું કહ્યું હતું. બંને મહિલાઓ ગયા બાદ કબાટ ચેક કરતા દાગીના ગાયબ મળ્યા હતા.
જેથી આ અંગે માલવિયાનગર પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવતા જાણવા મળ્યું હતું કે બંને મહિલાઓ મૂળ બિહારની વતની છે. ચોરી કર્યા બાદ ટ્રેનમાં બેસી ભાગી ગઇ હતી. અરજીના આધારે માલવિયાનગર પોલીસે આજે ગુનો દાખલ કરી શોધખોળ હાથધરી છે.