- ગીર સોમનાથ જિલ્લાના બંને લૂંટારુ રૂ. 90 હજારના મુદ્દામાલ સાથે પુનિતનગરમાંથી ઝડપાયા
રાજકોટમાં એક સપ્તાહ પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે જેમાં માલવિયા નગર પોલીસે શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર જવેલર્સની દુકાનમાં ઘુસી સોની વેપારીને માર મારી લૂંટ ચલાવનાર ગીરસોમનાથ જિલ્લાના બે લૂંટારૂઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક હોન્ડા બે મોબાઈલ મળી કુલ રૂ.90,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે ગત 25 મેંના રોજ બપોરના સમયે લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલ આનંદી જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી બે લૂંટારુઓએ સોની વેપારી પર છરી વડે હુમલો કરી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ હતા. બનાવ અંગે જાણ થતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, માલવિયાનગર પોલીસ તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નિકલ સોર્સીસ મદદથી ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટ ચલાવનાર બન્ને ઈસમો મૂળ ગીરસોમનાથ જિલ્લાના વતની છે જેઓ રાજકોટમાં રહે છે જેથી તેઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી ત્યારે બન્ને શખ્સો પુનિતનગર પાણીના ટાંકા પાસે હોવાની માહિતી મળતા બન્નેને અટકાવી તેમની પુછપરછ કરતા ધર્મેશ સોલંકી (ઉ.વ.25) અને રવિ સોલંકી (ઉ.વ.27) જણાવ્યું હતું જે બંનેની પુછપરછ કરતા તેઓએ આનંદી જવેલર્સમાં લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપતા પોલીસ બન્નેની ઘર કરી તેમની પાસેથી એક હોન્ડા તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.90,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઘંટેશ્ર્વર પાસે વકીલના ડ્રાયવરને લૂંટી લેનાર ચાર વિદ્યાર્થીઓ 17.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
રાજકોટ શહેર એલસીબી ઝોન 2 ટિમ દ્વારા ત્રણ દિવસ પહેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તરમાં સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ બાઈકચાલકને આંતરી રોકડ રકમની લૂંટ ચલાવવા ગુનામાં 4 આરોપીની ધરપકડ કરી છે. જેમાં પોલીસે શુભમ ઇશ્વરભાઇ ગોકળદાસભાઇ પુરોહિત (ઉ.વ.20), ભવ્ય નિતીનભાઈ રમેશભાઇ દવે (ઉ.વ.23), યશ અનવરભાઇ હબીબભાઇ લાલાણી (ઉ.વ.21) અને નૈમિશ મયુરભાઇ વસંતભાઇ શર્મા (ઉ.વ.20)ને ઝડપી પાડ્યા છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી સ્કોર્પીયો કાર અને મોબાઇલ ફોન મળી કુલ 17.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ વર્તુળોમાંથી મળેલી માહિતી અનુસાર ચારેય આરોપીઓ વિદ્યાર્થી છે. ભવ્ય દવે ફીલીપાઈન્સમાં મેડિકલમાં જયારે શુભમ પુરોહિત મારવાડી યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે. જયારે અન્ય બે આરોપીઓ આત્મીય યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા હોય અને તમામ ગાંજાના બંધાણી હોય વેકેશન દરમિયાન પૈસા કમાવવા માટે આ કૃત્ય આચર્યાનું જણાવ્યું છે. આ આખેઆખું પ્લાનિંગ કરનાર ધ્રુવરાજસિંહ ગોહિલ હાલ ફરાર છે.