દંપતી વચ્ચે ચાલતા ઝઘડા બાબતે સમજાવવા જતા સામસામે લાકડી વડે તૂટી પડ્યા: સાત સામે નોંધાતો ગુનો
રાજકોટનાં ભાગોળે આવેલા ભંગડા ગામે બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં લગ્ન કરાવી દીધા બાદ દંપતી વચ્ચે ઝઘડા થતા સમજાવવા આવતા બંને પક્ષે તિખારા ઝર્યા હતા. સામસામે લાકડી વડે હુમલો કરતા બે લોકો ઘવાયા હતા જ્યારે પોલીસે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભંગડા ગામે રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મુળજીભાઈ રાજાભાઈ પરમાર નામના ૫૦ વર્ષીય પ્રૌઢે આજીડેમ પોલીસ મથકમાં મહેશ પરમાર, પ્રકાશ પરમાર, રમેશ પરમાર અને જયંતિ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ મુળજીભાઈએ આરોપી પ્રકાશના સગાઈ અને લગ્ન કરાવી દીધા હતા. પરંતુ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી પ્રકાશ સહિતના શખ્સો મુળજીભાઇના ઘરે ગયા હતા.
જ્યાં પ્રકાશ સહિતના શખ્સોએ મુળજીભાઈ સાથે બોલાચાલી કરી લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા મૂળજીભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે સામાપક્ષે જયંતીભાઈ રાણાભાઇ પરમાર નામના ૩૭ વર્ષીય યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ભત્રીજા પ્રકાશના મુળજીભાઇએ સગાઈ અને લગ્ન કરાવી દીધા હતા. પરંતુ પત્ની ઘરે વાદ વિવાદ કરતી હોવાથી મુળજીભાઈના ઘરે ગયા હતા. જ્યાં વિજય મૂળજી પરમાર, મૂળજી રાજા પરમાર અને છગન મૂળજી પરમાર સહિતના પિતા પુત્રો લાકડી વડે હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષે સામસામે સાત શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.