- થર્ટી ફર્સ્ટ પૂર્વે રાજકોટ એસઓજીનો સપાટો
- માદક પદાર્થ સગેવગે થાય તે પૂર્વે જ શાળા નં.-93 નજીક રિક્ષામાંથી ઝડપી લેવાયો
- શબીર શેખ અને અક્ષય કથરેચાની ધરપકડ : બંને ચરસના બંધાણી હોવાનું ખુલ્યું
રાજકોટ શહેર એસઓજી ટીમે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે યુવાનો સુધી માદક પદાર્થ નશા સ્વરૂપે પહોંચે તે પૂર્વે જ ભાવનગર રોડ પર શાળા નં-93 નજીકથી રીક્ષામાંથી રૂ. 5.94 લાખની કિંમતનો 3.965 કિલો ચરસના જથ્થા સાથે શબીર શેખ અને અક્ષય કથરેચાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ બંને શખ્સો પોતે પણ બંધાણી હોવાનું ખુલવા પામ્યું છે.
શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને નશાખોરો બેફામ બને નહીં તે માટે પોલીસ સક્રિય બની છે અને વાહન ચેકિંગ સહિતની ઝુંબેશ સઘન બનાવાઇ છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમીના આધારે ભાવનગર રોડ પર શાળા નં.13 પાસે રિક્ષામાં બેઠેલા બે શખ્સ પાસે માદક પદાર્થનો મોટો જથ્થો છે અને ગણતરીની મિનિટોમાં આ બંને શખ્સ નશીલો પદાર્થ સગેવગે કરી નાખશે તેવી હકીકત મળતાં જ પીઆઇ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી અને રિક્ષાને કોર્ડન કરી લીધી હતી. પોલીસે તલાશી લેતા રિક્ષામાંથી શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળ્યો હતો. એફએસએલ નિષ્ણાતને બોલાવતા તેમણે આ જથ્થો ચરસનો હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું.
પોલીસે રૂ.5,94,750ની કિંમતનો 3.965 કિલોગ્રામ ચરસ, બે મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.6,59,750નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષામાં બેઠેલા લલૂડી વોંકળી પાસે રહેતા અને મૂળ યુપીના લખનઉના વતની શબ્બીર સલીમ શેખ(ઉ.વ.32) અને સહકાર મેઇન રોડ પર કલ્યાણ હોલ નજીક રહેતા અક્ષય કિશોર કથરેચા (ઉ.વ.30)ની ધરપકડ કરી હતી. ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, આ બંને શખ્સો પોતે પણ બંધાણી હોવાનું ખુલવા પામ્યું છે.
શહેરમાં ગાંજો, ચરસ, એમ.ડી. સહિતના ડ્રગ્સનું ધૂમ સેવન થઇ રહ્યું છે. યુવાનોને બરબાદ કરતા આ ડ્રગ્સનું વેચાણ કરતા તત્ત્વો પર પોલીસ વોચ રાખી રહી છે, પરંતુ દિનપ્રતિદિન યુવાનો ડ્રગ્સના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. ઝડપાયેલો શબ્બીર અને અક્ષય અગાઉ માદક પદાર્થ લઇ આવ્યા હતા કે કેમ? અથવા આ બંને શખ્સો કોના માટે કામ કરતા હતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.