શહેરના મોચી બજાર વિસ્તારમાં ખટારા સ્ટેન્ડ નજીક કોર્ટના દરવાજા પાસે આજે પાણી વિતરણની મુખ્ય પાઈપ લાઈનમાં 3 કલાકના અંતરે બે વાર ભંગાણ સર્જાવાના કારણે વોર્ડ નં.2 અને 3માં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. સિવિલ હોસ્પિટલ ચોકમાં બની રહેલા બ્રિજના કારણે પાઈપ લાઈનનું શિફટીંગ કરવામાં આવ્યું છે. જેમાં નવી અને જૂની પાઈપ લાઈનના જોડાણની સમસ્યા સર્જાવાના કારણે છાશવારે પાઈપ લાઈન તૂટવાની સમસ્યા ઉભી થાય છે.
આ અંગે મહાપાલિકાના ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે 6 કલાકે જ્યુબેલી પમ્પીંગ સ્ટેશનેથી જંકશન તરફ જતી 600 એમ.એમ.ડાયાની પાઈપ લાઈન કોર્ટના દરવાજા પાસે પ્રેસર અને એર લોકિંગના કારણે તૂટી જવા પામી હતી. જેને લીધે વોર્ડ નં.2 અને 3ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ કરી દેવાની ફરજ પડી હતી. તાબડતોબ રીપેરીંગની કામગીરી હાથ ધરાયા બાદ સવારે 9:30 કલાકે વિતરણ માટે પાણી શરૂ કરવામાં આવતા ફરી આ પાઈપ લાઈનમાં તે જ સ્થળે ભંગાણ સર્જાયું હતું.
એક જ પાઈપ લાઈનમાં આજે 3 કલાકના સમયગાળામાં 2 વખત ભંગાણ પડતા બે વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા 7 કલાક માટે ખોરવાઈ જવા પામી હતી. પાઈપ લાઈનમાં ભંગાણ પડવાના કારણે વોર્ડ નં.2માં કાશિ વિશ્ર્વનાથ પ્લોટના વિસ્તારો અને શ્રોફ રોડ તરફના વિસ્તારોમાં 7 કલાક પાણી વિતરણ મોડુ કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નં.3માં જંકશન પ્લોટ, રેફયુજી કોલોની, હંસરાજનગર, લાલબહાદૂર શાસ્ત્રી, કૈલાસ વાડી, સિંધી કોલોની, કિટીપરા અને જંકશન કો.ઓ.હા.સોસાયટી, કોઠી કમ્પાઉડ, રૂખડીયાપરા, નારસંગ પરા, ભિસ્તીવાડ, ગાયકવાડી, પરસાણાનગર અને તોપખાના સહિતના વિસ્તારોમાં પણ સવારના બદલે છેક બપોરે પાણી વિતરણ કરવાની ફરજ પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે જ્યુબીલી પમ્પીંગ સ્ટેશનથી જંકશન તરફ અગાઉ જે લાઈન જતી હતી તેનું શિફટીંગ કરવામાં આવ્યું છે અને આ લાઈનને સિવિલ હોસ્પિટલ તરફ કોર્ટ પાસે પેટ્રોલપંપની પાછળના ભાગેથી જોડાણ આપવામાં આવ્યું છે. નવી અને જૂની પાઈપ લાઈનના જોડાણના અભાવે સમયાંતરે પાઈપ લાઈનમાં સતત ભંગાણ સર્જાય છે. આ સમસ્યા ત્રણ ચાર મહિના સુધી ચાલુ રહેશે. જૂની પાઈપ લાઈન પ્રેશર સહન કરી લે છે જ્યારે નવું જોડાણમાં પ્રેશરના કારણે ભંગાણ સર્જાય છે. આજે વોર્ડ નં.2 અને 3ના અનેક વિસ્તારોમાં નિર્ધારીત સમય કરતા પાણી વિતરણ 7 કલાક મોડુ કરવામાં આવતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી જવા પામ્યો છે.