અઘરી ગણાતી મોરબી વિધાનસભા બેઠક ફતેહ કરવા શહેર ભાજપની ટીમે કરેલી કાળી મહેનતનું પરિણામ પક્ષને મળ્યું
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું. આ ખાલી પડેલ ૮ બેઠકો માટે ગત ૩જી નવેમ્બરના રોજ મતદાન યોજાયા બાદ આજે સવારથી મત ગણતરી ચાલી રહી છે. આ લખાય રહ્યું છે ત્યારે તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો સઘળી લીડ સાથે આગળ ચાલી રહ્યાં છે. પેટા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો પર ભગવો લહેરાવવા માટે શહેર ભાજપની ત્રિપુટીએ કરેલી મહેનત રંગ લાવી છે. ધારીમાં ધનસુખભાઈ ભંડેરી, લીંબડીમાં નીતિનભાઈ ભારદ્વાજ અને મોરબીમાં કમલેશભાઈ મીરાણીની આગેવાનીમાં પ્રચાર અને ચૂટણી વ્યુહરચનાની કામગીરી કરવામાં આવી હતી અને તે પરિણામોમાં રીતસર ઉગી નીકળી છે.
મતદાન પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલમાં એવું સ્પષ્ટ દેખાયું હતું કે, ભાજપ ૮ બેઠકોની પેટા ચૂંટણી પૈકી ૬ થી ૭ બેઠકો પર જીત હાંસલ કરી રહ્યું છે પરંતુ આજે સવારથી હાથ ધરાયેલી બેઠકમાં જાણે એક તરફી જ માહોલ હોય તેવું લાગી રહ્યું છે. શઆતથી સાત બેઠકો પર ભાજપ આગળ હતું અને મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા પાછળ ચાલી રહ્યાં હતા પરંતુ મત ગણતરીના ૧૨ રાઉન્ડ બાદ તેઓ કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલથી ૩ હજાર મતોથી આગળ નીકળી ગયા છે. ભાજપના તમામ ઉમેદવારોની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. પેટા ચૂંટણીમાં ધારી વિધાનસભા બેઠક જીતાડવાની જવાબદારી પ્રદેશ દ્વારા ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીને સોંપવામાં આવી હતી. જ્યારે લીંબડી બેઠકની જવાબદારી નીતિનભાઈ ભારદ્વાજ અને મોરબી વિધાનસભા બેઠકની જવાબદારી શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સોંપવામાં આવી હતી. રાજકોટ શહેર ભાજપની આ ત્રણેય ત્રિપુટીએ પોતાને સોંપવામાં આવેલી જવાબદારી સફળતાપૂર્વક પાર પાડવામાં સફળ રહી છે. લીંબડીમાં કિરીટસિંહ રાણા જીતી ચુક્યા છે. જ્યારે ધારીમાં જે.વી.કાકડીયા અને મોરબીમાં બ્રિજેશ મેરજા નજીકના ઉમેદવારથી ખાસી એવી લીડ સાથે આગળ ચાલી રહ્યાં હોય તેઓની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.પેટા ચૂંટણીમાં આઠેય બેઠકો પર ભગવો લહેરાતા એ વાત ફાઈનલ થઈ ગઈ છે કે, મહાપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન ટૂંક સમયમાં કરી દેવામાં આવશે.