પીરવાડીમાં બંધ મકાનમાં તસ્કરો રૂ.45 હજારની રોકડ ઉઠાવી ગયા

વિધાનસભાની ચૂંટણીનું મતદાન થયા બાદ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગમાં ઘટાડો કરી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એ ચોરીના બનાવો સામે આવ્યા છે.જેમાં કોઠારિયા રોડ પર આવેલી સદ્દભાવના સોસાયટીમાં તસ્કર ટોળકીએ એક સાથે ત્રણ બંધ મકાનને નિશાન બનાવ્યા છે. જેમાં એક મકાનમાંથી રૂ.3.14 લાખની માલમતા તસ્કરો ચોરી ગયા છે. જયારે બીજા બનાવમાં પીરવાળી નજીક બંધ મકાનમાં તસ્કરો રોડક રૂ.45 હજાર ચોરી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોની ભા મેળવવા તજવીજ હાથધરી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ સદ્દભાવના સોસાયટી-3માં રહેતા મુકેશભાઇ મધુભાઇ ગજેરા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે કારખાનામાં મજૂરીકામ કરે છે. દરમિયાન ચિતલ પાસે આવેલા રાંઢિયા ગામે સગાને ત્યાં લગ્ન પ્રસંગ હોય ગત તા.1ના રોજ બપોરે મકાન બંધ કરી પરિવારજનો સાથે પ્રસંગમાં ગયા હતા. બાદમાં રવિવારે સવારે પ્રસંગમાંથી પરત રાજકોટ ઘરે આવતા બંધ મકાનના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. મુખ્ય દરવાજાના પણ તાળાં તૂટેલા હોય ઘરમાં જઇ તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. તેમજ બેડરૂમમાં રહેલો કબાટ પણ ખુલ્લો નજરે પડ્યો હતો. કબાટમાં તપાસ કરતા સોના- ચાંદીના ઘરેણાં અને તિજોરીમાં રાખેલા રોકડા રૂ.2.55 લાખ મળી કુલ રૂ.3.14 લાખની માલમતા જોવા મળી ન હતી. બંધ મકાનમાં તસ્કરો માલમતા ચોરી ગયાનું માલૂમ પડતા આજી ડેમ પોલીસ મથકમાં જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી. પોલીસ હજુ તપાસ કરતી હતી. તે સમયે બાજુમાં જ રહેતા સંબંધી દલસુખભાઇ સમજુભાઇ ખૂંટ અને મયૂરભાઇ દેવજીભાઇ લીંબાસિયા દોડી આવ્યા હતા. અને તેમના બંધ મકાનના પણ તાળાં તૂટ્યાની જાણ કરી હતી. જોકે, તે બંને મકાનમાંથી તસ્કરોને કંઇ હાથ લાગ્યું ન હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જેથી પોલીસે આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથધરી છે.

જ્યારે બીજા બનાવમાં પીરવાડી પાછળ આવેલા માધવ રેસિડેન્સીમાં રહેતા આશિષભાઇ દલસુખભાઈ નારિયાના બંધ મકાનમાં તસ્કરો રૂ.45 હજારની રોકડ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે. ગત રાતે સાડા નવ વાગ્યે આશિષભાઇ મકાન બંધ કરી પરિવાર સાથે ભાઈના ઘરે ગયા હતા. સવારે સાત વાગ્યે પાડોશીએ મકાનના તાળાં તૂટ્યા હોવાની જાણ કરી હતી. જેથી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.