અબતક, રાજકોટ :
સાબરકાંઠામાં બોગસ સોફ્ટવેર બનાવીને રેશનિંગનું અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડમાં રાજકોટ જિલ્લાના 32 વેપારીઓ પણ શંકાના દાયરામાં આવતા પુરવઠા વિભાગે આ વેપારીઓને ત્યાં ચેકીંગ કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.
મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને દર મહિને રાહતદરે આપવામાં આવતા અનાજને બારોબાર વેચવાના કૌભાંડને અટકાવવા માટે ફરજીયાત ફિંગર પ્રિન્ટનો નિયમ શરૂ કરવામાં આવ્યો છે. જો કે તેમ છતાં હજુ પણ ભેજાબાજો વચ્ચેનો રસ્તો કાઢીને કૌભાંડ આચરી રહ્યા છે. આવો જ કિસ્સો સાબરકાંઠામાં સામે આવ્યો છે. જેમાં સરકાર જેવો જ બોગસ સોફ્ટવેર બનાવીને ગરીબોનો અનાજનો જથ્થો બારોબાર વેચવામાં આવ્યો છે. આ કૌભાંડનું પગેરું રાજકોટમાં પણ નીકળ્યું છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના 32 વેપારીઓ શંકાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે.
જેના પગલે પુરવઠા વિભાગે આ 32 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હોવાનું માલુમ પડ્યું છે. શહેરની 14 અને જિલ્લાની 18 સસ્તા અનાજની દુકાનમાં એનએસએફએ કાર્ડધારકોને જથ્થો મળ્યો છે કે નહીં તેની ખરાઈ કરવાં માટે લાભાર્થીઓના રહેણાંકની તપાસ કરી કાર્ડનું 100 ટકા વેરિફિકેશન કરવા, કાર્ડ ધારકોની હયાતી, એનએફએસએની પાત્રતા, કુટુંબના સભ્યોની સંખ્યા સહીતની ચકાસણી કરવામાં આવી રહી છે.
ડીએસઓ તરીકે પ્રશાંત માંગુડાએ ચાર્જ સંભાળ્યો : જુના પેન્ડિંગ કેસોમાં ફરીથી હિયરિંગ કરાશે
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે પ્રશાંત માંગુડાએ ચાર્જ સંભાળ્યો છે. તેઓ વર્ષ 2017ની બેચના અધિકારી છે. અગાઉ તેઓએ બે વર્ષ દ્વારકામાં ફરજ બજાવી હતી. તેઓએ રાજકોટમાં ડીએસઓ તરીકે ચાર્જ સંભળતી વેળાએ જણાવ્યું હતું કે તેઓ તમામ કેસોમાં તટસ્થ તપાસ કરી દાખલારૂપ કાર્યવાહી માટે સતત પ્રયત્નશીલ રહેશે.
વધુમાં અમદાવાદ સાયબર ક્રાઇમે દોઢ વર્ષ પહેલા સરકારી રાશન વિતરણમાં તોસ્તાન એવુ બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડ પકડ્યુ હતુ. તેનો એક છેડો રાજકોટ જિલ્લા સુધી પણ નીકળ્યો હતો. તેમાથી અમુક વેપારીઓ સામે તપાસ અર્થે નિવેદન લેવાના બાકી રહી ગયા હતા. આવા વેપારીઓ ઉપરાંત અન્ય કિસ્સાઓમાં પકડાયેલા વેપારીઓ મળી કુલ 70 જેટલા વેપારીઓના હવે ફરીથી નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.