બાળકોને કોઈપણ રમકડા હોય તેનું ગજબનું આકર્ષણ હોઈ છે. આવા રમકડાના ઉત્પાદનમાં અત્યાર સુધી પુરી દુનિયામાં ચાઈનીઝ ઇન્ડસ્ટ્રીઝની નામના હતી. પરંતુ હવે ચાઈનીઝ ઈન્ડટ્રીઝને મ્હાત આપવા આત્મનિર્ભર ભારત અભિગમ અંતર્ગત ભારતની ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ આગળ આવી રહી છે.
રાજકોટના રમકડાની દેશ-વિદેશમાં માંગ
ઇનહાઉસ ડિઝાઇનીંગ, મોલ્ડિંગ , એસેમ્બલિંગ, પેકેજીંગ યુનિટ સાથે રોજના 10 લાખ જેટલા પ્રમોશનલ ટોયઝના નિર્માણની ક્ષમતા
સરકાર દ્વારા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને આગળ લાવવા પુરી પડાતી વિવિધ યોજનાકીય સહાયના કારણે આજે અનેક ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે. જેમાંની એક ઈન્ડસ્ટ્રીઝ એટલે રાજકોટની અદિતિ ટોયઝ પ્રાઈવેટ લિમિટેડ કંપની. આ કંપનીના ડીરેકટરોએ સરકારની વિવિધ યોજના-સહાયની સાથે તેમના સાહસ થકી ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
કંપનીના ડિરેક્ટર ડો. સુભાષભાઈ ઝાલા જણાવે છે કે, ભારતમાં 12 હજાર કરોડના રમકડાના માર્કેટને ધ્યાને લઈ અમે વર્ષ 2014માં રમકડાં બનવવાના શ્રી ગણેશ કરેલા. ટાંચા સાધનો સાથે ફેક્ટરી શરુ કરેલી. અનુભવે અને માર્કેટની વિશાળતા જોતા ફાયનાન્સિયલ સપોર્ટ તેમજ રાજ્ય સરકારની યોજનાના લાભ સાથે ધીરે ધીરે અમે કંપની અને ઉત્પાદનનો વ્યાપ વિસ્તારતા ગયા. આજે અમે રોજના 10 લાખ જેટલા પ્રમોશનલ ટોયઝનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. સાથો-સાથ કંપનીના 200 કર્મચારીઓ ઉપરાંત 700 જેટલી મહિલાઓને પરોક્ષ રીતે પણ રોજગારી પુરી પાડી રહ્યા છીએ.
વધુમાં જણાવ્યું કે હાલમાં અમે મોટા રમકડાં બનાવવાની દિશામાં આગળ વધી રહયાં છીએ. આત્મ નિર્ભર ભારત અભિયાનને ધ્યાને લઈ લોકોની મેડ ઈન ઈન્ડીયા ટોયઝની માંગને પૂરી કરવા આગામી 6 માસમાં 100 જેટલી નવી પ્રોડકટ માર્કેટમાં લોન્ચ કરવાનું અમારૂં લક્ષ્ય છે.
રાજકોટના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી જણાવે છે કે, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગનું હબ બની રહેલા રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરાયેલી એમ.એસ.એમ.ઈ. ઈન્ડસ્ટ્રીયલ પોલીસી અન્વયે અનેકવિધ ઉદ્યોગોને લોન – સહાય આપવામાં આવી છે. જેના કારણે આ ક્ષેત્રના વિકાસને વેગ મળ્યો છે.
કેન્દ્ર – રાજ્ય સરકાર આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશમાં બનતા ઉત્પાદનો પ્રત્યે લોકોનો જોક વધે અને વિવિધ ઉત્પાદનો બનાવતા નાના – મોટા ઉદ્યોગગૃહોને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે હાથ ધરાયેલા પ્રયાસોના પરિણામે આજે “મેડ ઈન ઈન્ડીયા” એ માત્ર સુત્ર જ નહી પરંતુ એક બ્રાન્ડ બની વિશ્ર્વના દેશોને હંફાવી રહી છે.
ટોય પાર્કના નિર્માણ માટે ડિમાન્ડ સર્વે તેમજ જમની ગ્રહણ સહિતની પ્રક્રિયા હાથ ધરાઇ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા થોડા સમય પૂર્વે રાજકોટ ખાતે ટોયઝ પાર્ક બને તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેના ભાગરૂપે રાજકોટ, અમદાવાદ અને વડોદરા ખાતે એક ડિમાન્ડ સર્વે જી.આઈ.ડી.સી., ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ ખાતે 30થી વધુ લોકોએ રમકડા તેમજ તેના ઉત્પાદનો આધારિત ઉદ્યોગ શરૂ કરવા તૈયારી દર્શાવી હોવાનું રાજકોટ જી.આઈ.ડી.સી.ના રીજીયોનલ મેનેજર દર્શન ઠક્કરે જણાવ્યું છે. રાજકોટ ખાતે ટોય ઇન્ડસ્ટ્રીઝ માટે નાગલપર તેમજ ખીરસરા ખાતે જમીન ખરીદીની પ્રક્રિયા ચાલુ હોવાનું તેમજ ઉચ્ચસ્તરે લીલી ઝંડી મળતા કાર્યવાહી આગળ વધારવામાં આવશે