જિલ્લા કલેકટર કચેરીએ પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ: ભાજપના ૮, એનસીપીના ૧ અને બસપાના ૪ ફોર્મ ઉપડયા: ૪ એપ્રીલ સુધી ચાલશે ફોર્મ ભરવાની પ્રક્રિયા
જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ લોકસભા બેઠક માટે આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ દિને બપોર સુધીમાં જ ૩૬ ફોર્મનો ઉપાડ થયો હતો. ભાજપના ૮, એનસીપીના ૧ અને બસપાના ૪ ફોર્મ ઉપડયા હતા. ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી ૪ એપ્રીલ સુધી ચાલવાની છે. જેના પગલે કલેકટર કચેરી ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
૧૦-રાજકોટ સંસદીય મતવિભાગની ચુંટણીનો કાર્યક્રમ નિર્વાચન અધિકારી ડો. રાહુલ ગુપ્તા દ્વારા જાહેર કરાયો છે. જે મુજબ ગત્રોજના જાહેરનામું પ્રસિધ્ધ થતા તા. ૨૮ માર્ચથી તા. ૪ એપ્રીલ ૨૦૧૯ સુધી સવારે ૧૧ કલાકથી બપોરે ૩-૦૦ કલાક દરમિયાન (જાહેર રજા સિવાય) કોરા ઉમેદવારી પત્રો મેળવી શકાશે તેમજ ભરાયેલ ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે.
ઉમેદવારીપત્રો નિર્વાચન અધિકારી, ૧૦ રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, રાજકોટ, કલેકટર કચેરી,જિલ્લા સેવાસદન,બીજો માળ, જામટાવર સામે શ્રોફ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ખાતે અથવા મદદનીશ નિર્વાચન અધિકારી અને નાયબ કલેકટર મ.ભ.યો. રાજકોટ કલેકટર કચેરી,જિલ્લા સેવાસદન,બીજો માળ, જામટાવર સામે શ્રોફ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧કોરા ઉમેદવારી પત્રો મેળવી શકાશે તેમજ ભરાયેલ ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૦૫-૦૪-૨૦૧૯ના રોજ સવારે ૧૧-૦૦ કલાકથી ચૂંટણી અધિકારી, કલેકટર, રાજકોટ, કલેકટર કચેરી,જિલ્લા સેવાસદન,બીજો માળ, જામટાવર સામે શ્રોફ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ખાતે હાથ ધરવામાં આવશે.
ઉમોદવારી પત્ર ખેંચવાની નોટીસ તા. ૦૮-૦૪-૨૦૧૯ના રોજ બપારના ૩-૦૦ કલાક પહેલા ઉપરોકત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.
મતદાન કરવાનું થશે તો તા. ૨૩-૦૪-૨૦૧૯ના રોજ સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક વચ્ચે કરવાનું થશે તેમ ચુંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાની યાદીમાં જણાવાયું છે.
આજરોજ પ્રથમ દિને બપોર સુધીમાં કુલ ૩૬ ફોર્મનો ઉપાડ થયો હતો. જેમાં ભાજપ પક્ષ તરફથી હિતેશભાઈ દવેએ ૮ ફોર્મ ઉપાડયા હતા. સાથે બસપા ૪ અને એનસીપી પક્ષનું એક ફોર્મ પણ ઉપડયું હતું.
ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટરે ૧૦ જાહેરનામા કર્યા પ્રસિદ્ધ
લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટરે આજરોજ ૧૦ જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે જેમાં મતદાન વખતે બુથના ૧૦૦ મીટરના વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવશે. મતદાન કરતી વેળાએ શિસ્ત જાળવવા તેમજ મતદાન બાદ મથકથી મતદારોએ ચાલ્યા જવાનું રહેશે. મત ગણતરી હોલમાં મોબાઈલ પર પ્રતિબંધ રહેશે. મતદાન પૂરું થવાના ૪૮ કલાક પૂર્વે પક્ષોના પ્રચાર-પ્રસાર અને સરઘસ પર પ્રતિબંધ રહેશે. ૨૧મીએ સાંજે ૬:૦૦ પછી તાત્કાલીક અસરથી બહારના નેતાઓ અને પ્રચારકોને મતદાન વિસ્તાર છોડી દેવાનો રહેશે. સરકારી, અર્ધ સરકારી, આરામ ગૃહો અને સરકારી રહેણાંકોનો ચૂંટણી વિષયક હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. તા.૨૧ થી ૨૩ સુધી ડ્રાય ડે રહેશે જેથી નશાકારક ચિજ વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ રહેશે. મતદાન મથકમાં તમાકુ અને ધુમ્રપાન પર પ્રતિબંધ તેમજ નિયત કરાયેલા સ્ટાફ અને મતદારો સીવાય મતદાન મથક પર પ્રવેશવા પર પ્રતિબંધ રહેવાનો છે.