ટ્રાફિક, સફાઈ અને બગીચાના કામોને પ્રથમ પ્રાથમિકતા અપાશે: નવા ભળેલા ગામોને તમામ સુવિધાઓ મળે તેવું આયોજન કરાશે, બજેટ સંપૂર્ણ વિકાસલક્ષી રહેશે: સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન
સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે અઢી વર્ષ બાદ ફરી નિયુક્ત થયેલા વોર્ડ નં.9ના સીનીયર કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલે આજે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથે જણાવ્યું હતું કે, રાજકોટ દેશનું નં-1 સ્માર્ટ સિટી બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. ટ્રાફિક, સફાઈ અને બાગ બગીચાના કામોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. રાજકોટની હદમાં ભળેલા ચાર ગામોને તમામ પાયાની સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે. આટલું જ નહીં મહાપાલિકાનું આગામી બજેટ પણ સંપૂર્ણપણે વિકાસલક્ષી રહેશે.
સ્ટેન્ડિંગ કમીટીના નવનિયુક્ત ચેરમેન પુષ્કરભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા હાલ શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા અલગ અલગ ચાર સ્થળોએ બ્રીજ બનાવવામાં આવી રહ્યાં છે તે ઝડપથી તેની કામગીરી પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિવેડો લાવવા માટે વધુ અંડરબ્રીજ અને ઓવરબ્રીજ બને તે માટેનું પણ આયોજન કરવામાં આવશે. રાજકોટ દેશનું નં-1 સ્માર્ટ સિટી બને તે માટે સતત પ્રયત્નશીલ રહેશું. તાજેતરમાં રાજકોટ મહાપાલિકાની હદમાં નવા ચાર ગામો ભળયા છે તેને પ્રાથમિક સુવિધામાં કોઈ જ તકલીફ ન પડે તેવું અમારૂ આયોજન રહેશે. રાજકોટના વિકાસની નોંધ દેશભરમાં લેવાય રહી છે ત્યારે રાજકોટ વધુ લીવેબલ સિટી બનશે તેવું આયોજન કરવામાં આવશે. ટ્રાફિક, ગાર્ડન અને સફાઈ કામોને પ્રાથમિકતા આપવામાં આવશે. હાલ ટેકનીકલ ક્ષતિના કારણે શહેરના અલગ અલગ વોર્ડમાં પાણી કાપ આપવામાં આવી રહ્યો છે પરંતુ હવે ચોમાસા સુધી રાજકોટવાસીઓએ સીંગલ દિવસ પણ પાણી કાપ વેઠવો ન પડે તેવા પ્રયાસો હાથ ધરાશે.
સ્વચ્છ અને ગ્રીન સિટી રાજકોટ ટ્રાફિક અને કોવિડ મુક્ત બને તે માટે આયોજન: ડો.દર્શિતાબેન શાહ
ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે અમે સતત પ્રયત્નશીલ રહેશું. કોરોના મહામારી માટે શહેરીજનો સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ પ્રકારની ગાઈડલાઈનનો અમલ કરે તે જરૂરી છે. સ્વચ્છ અને ગ્રીન રાજકોટ ટ્રાફિક તથા કોવિડ મુક્ત બને તે દિશામાં અમે આગળ વધીશુ અને રાજકોટ ખુબજ ઝડપથી કોરોના મુક્ત બને તેવા અમારા પ્રયાસો અને આયોજન રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર્શિતાબેન શાહને ભાજપ દ્વારા બીજી વખત ડે.મેયર પદે બેસાડવામાં આવ્યા છે.