ગોંડલ ચોકડી નજીક ગુજરાતના સૌપ્રથમ વન પીલર પર નિર્માણ પામનાર ફલાય ઓવરબ્રિજનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજૂઆત માન્ય રાખીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ રાજકોટ-જેતપુર સીકસલેન હાઈ-વેને આપી લીલીઝંડી: ટૂંક સમયમાં કામનું ખાતમુહૂર્ત કરાશે
૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧.૨ કિ.મી. લાંબા અને ૨૫ મીટર પહોળા સીકસલેન ઓવરબ્રિજના કામને ૧૮ માસમાં પૂર્ણ કરાશે
ગોંડલ ચોકડી નજીક ગુજરાત સૌપ્રથમ વન પીલર પર નિર્માણ પામનાર ફલાય ઓવરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજૂઆત માન્ય રાખીને રાજકોટ-જેતપુર સીકસલેન હાઈ-વેને લીલીઝંડી આપીને ટૂંક સમયમાં કામનું ખાતમુહૂર્ત કરવાની જાહેરાત પણ કરી હતી. ખાતમુહૂર્ત સમારોહમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
શહેરની ગોંડલ ચોકડી પાસે સર્જાતા ટ્રાફીકજામને નિવારવાના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ગોંડલ ચોકડી નજીક ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરી હતી. જે સંદર્ભે આજે આ ફલાય ઓવરનો ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર બિનાબેન આચાર્ય, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે, શીપીંગ, કેમીકલ અને ફર્ટીલાઈઝરના મંત્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, શાપર-વેરાવળ એસો.ના પ્રમુખ ટીલાળા, જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની તેમજ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યાં હતા.
ગોંડલ ચોકડી નજીક નિર્માણ પામનાર આ ફલાય ઓવર ગુજરાતનો સૌપ્રથમ વન પીલર પર બનનારો ફલાય ઓવર હશે, આ ફલાય ઓવર ૧.૨ કિલોમીટર લાંબો અને ૨૫ મીટર પહોળો હશે, રૂ.૯૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ ફલાય ઓવરનું કામ ૧૮ માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ફલાય ઓવરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ વેળાએ તેઓએ જણાવ્યું હતું કે, આ ફલાય ઓવરને મંજૂરી આપવા બદલ તેઓ સૌરાષ્ટ્રના નેતા મનસુખભાઈ માંડવીયા તેમજ કેન્દ્ર સરકાર અને હાઈ-વે ઓથોરીટીનો આભાર માને છે. ગોંડલ ચોકડીએ છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા અનુભવાતી હતી. આ અંગે સ્થાનિકોની અનેક રજૂઆતો તેમજ નેતાઓની પણ અનેક રજૂઆતો મળી હતી. જેના પગલે ટ્રાફિક સમસ્યા નિવારવાના ભાગરૂપે આ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ઈન્ફાસ્ટ્રકચર પર વધુ ભાર મુકયો હોવાથી આજે દેશમાં ચારેબાજુ નવા-નવા કામો શરૂ થઈ રહ્યાં છે. મેઘાલય, અરૂણાચલપ્રદેશ, મિજોરમ અને નાગાલેન્ડમાં કોંગ્રેસની સરકાર વખતે કોઈ વિકાસના કામો થયા ન હતા ત્યારે આજે આ રાજયોમાં કરોડો અને અબજોના કામો થઈ રહ્યાં છે. રોડ અને દિશામાં કેન્દ્ર અને રાજય સરકાર સતત આગળ વધી રહી છે. રાજય સરકારે ૪૮૦ કરોડના ખર્ચે અનેક ઓવરબ્રિજને મંજૂરી આપી છે તેમાં રાજકોટના બન્ને છેડે એટલે કે એક માધાપર ચોકડી ખાતે તેમજ બીજો ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ નિર્માણ પામનાર છે. ગુજરાત પાસે વિશાળ દરિયાકાંઠો છે ત્યારે તેનો બરાબર ઉપયોગ થઈ શકે તે અર્થે રાજય સરકારે પર ભાર મુકી ઘોઘા દહેજ ઉપરાંત ઘોઘાથી સુરત અને ત્યાંથી પીપાવાવ સુધીની ફેરી ઉપલબ્ધ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે માંડવીથી જામનગર તેમજ સોમનાથ-પોરબંદર, દ્વારકા-કચ્છ સુધીનો દરિયાઈ માર્ગ જોડવા માટે પગલા લીધા છે.
મુખ્યમંત્રીએ વધુમાં એઈમ્સ વિશે જણાવ્યું હતું કે, રાજકોટને એઈમ્સ મળી તે ગૌરવની વાત છે. આપણે એઈમ્સ માટે તાત્કાલીક ૩૩૦ એકર જમીન પણ ફાળવી દીધી છે. ઝડપથી એઈમ્સનું કામ શરૂ થાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ સાથે રાજકોટ નજીક નિર્માણ પામનાર હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે તેમજ એજન્સી પણ નકકી કરી નાખવામાં આવી છે.
આ તકે મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ગોંડલ ચોકડી નજીક સર્જાતી ટ્રાફિક સમસ્યાનું સીકસલેન ઓવરબ્રિજથી નિરાકરણ આવશે. સરકારે ઈન્ફાસ્ટ્રકચરને પ્રાથમિકતા આપી છે. ૮ વર્ષમાં દેશમાં ૧ લાખ કિ.મી.થી વધુ હાઈ-વેનું નિર્માણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જેની સામે માત્ર ૪.૫ વર્ષમાં ૪૦ હજાર કિ.મી.ના નેશનલ હાઈ-વેના કામો પૂર્ણ થઈ ગયા જયારે ૫૩ હજાર કિ.મી.ના નેશનલ હાઈવેના કામો હાલ ચાલી રહ્યાં છે. વિશ્વમાં સૌથી વધુ રોડનું નિર્માણ ભારતમાં થઈ રહ્યું છે.
આ તકે મનસુખભાઈ માંડવીયાએ સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજૂઆતને માન્ય રાખીને જેતપુર-રાજકોટ સીકસલેન હાઈવેને લીલીઝંડી આપીને ટૂંક સમયમાં આ કામનું ખાતમુહૂર્ત કરવાની જાહેરાત કરી હતી. વધુમાં તેઓએ કહ્યું હતું કે, આ સીકસલેન રોડના ડીપીઆર બનાવવા માટે ટૂંક સમયમાં એજન્સી નીમીને ડીપીઆરની કામગીરી ૨૭મી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
આગામી ૮ વર્ષમાં ભારતની ઈકોનોમી ૧૦ ટ્રિલીયન ડોલરની થશે: મનસુખ માંડવીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ અને બજેટનું એનાલીસીસ જણાવતા કેન્દ્રીય પ્રધાન માંડવીયા
વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ ખરા અર્થમાં ફૂલગુલાબી આવ્યું હોવાથી દરેક ક્ષેત્રનાં લોકો બજેટને આવકારી રહ્યા છે. આ વર્ષ મધ્યમવર્ગનાં લોકોને અનુલક્ષીને જાહેર કરાયેલ વચગાળાના બજેટમાં ઈન્કમટેકસ માટે ઐતિહાસીક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે દેશના વિકાસના કામો માટે મહત્વની ભૂમિકા ભજવતા એવા ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા વિશે અંગે રાજયસભાના સભ્ય મનસુખભાઈ માંડવીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં કહ્યું હતુ ‘અબતક’ને માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન, રાજયસભાના સભ્ય મનસુખભાઈ માંડવીયાએ કહ્યું કે દેશમાં માળખાગત સુવિધાની જરૂરીયાત પુરી પાડવા ૫૦ લાખ કરોડની આવશ્યકતા છે.
જયારે અમારી સરકાર બની તે પહેલા વર્ષે રૂપીયા દોઢ લાખ કરોડ માળખાગત સુવિધા માટે ઉપયોગમાં લેવાતા હતા. જેમાં દર વર્ષે અંદાજીત ૩ થી ૪ ટકા ફૂગાવો આવતો હોય છે.તેવી રીતે વિકાસના કાર્યોને આંબવા શકય નહતુ. અમારી સરકાર આવ્યા બાદ જીએસટી, નોટબંધી જેવા ઐતિહાસીક ફેરફારો લેવાયા, ગત વર્ષે સરકારે સાડા છ લાખ કરોડ ફાળવ્યા હતા, તો આ વર્ષે પણ વધુ ભંડોળ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે આગામી ૮ વર્ષની અંદરજ જ ભારતની ઈકોનોમી ૧૦ ટ્રીલીયન ડોલરની થઈ જશે.