અઠવાડીયાના ચાર દિવસ દોડશે વોલ્વો બસ: એસ.ટી.ના મુસાફરો માટે વધુ એક સુવિધા
રાજયભરમાં એસ.ટી.ના મુસાફરો માટે દિન પ્રતિદિન સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટથી અમદાવાદ સહિતના લાંબા રૂટ ઉપર એસ.ટીની વોલ્વો બસ દોડાવવામાં આવી રહી છે. ત્યારે એસ.ટી. નિગમે વોલ્વોની સુવિધામાં વધારો કરતા હવે રાજકોટ ડીવીઝન દ્વારા રાજકોટથી ગાંધીનગર વોલ્વો સેવાનો પ્રારંભ શુક્રવારથી કરવામાં આવશે તેવું રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ.
ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા શુક્રવારથી સોમવાર એમ અઠવાડીયામાં ચાર દિવસ સુધી રાજકોટથી ગાંધીનગર બસ દોડશે. જે સવારે ૬.૩૦ અને ત્યારબાદ સાંજે ૫.૩૦ના ઉપડશે હવે એસ.ટી.ના મુસાફરોને રાજકોટથી સીધુ ગાંધીનગર જવા માટે અને ગાંધીનગરથી રાજકોટ જવા માટે એસ.ટી. વોલ્વોની સુવિધા મળી રહેશે.ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં દિવસે ને દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને નવા રૂટ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે.
જૂની અને ખખડધજ બસોની જગ્યાએ હાલ અધતન એકસપ્રેસ દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, બરોડા સહિતના રૂટ ઉપર એસ.ટી. નિગમ દ્વારા વોલ્વો બસ દોડાવવામાં આવી રહી છે.ત્યારે ફરી પાછી એક વખત રાજકોટથી ગાંધીનગર અને ગાંધીનગરથી રાજકોટ સુધી શુક્રવારથી નવી વોલ્વો શરૂ કરીને એસ.ટી.ના મુસાફરોને વધુ એક લાભ મળશે. અને આ વોલ્વો બસનું અંદાજીત ભાડુ રૂ.૪૨૫ રાખવામાં આવ્યું છે. આ રૂટની વોલ્વોમાં મુસાફરો જી.એસ. આર.ટી.સી.ની વેબસાઈટ પરથી અથવા એસ.ટીની એપ્લીકેશન પરથી ઓનલાઈન ટીકીટ બુકીંગ પણ કરી શકશષ અને બસમાં મુસાફરોને તમામ પ્રકારની સવલતો મળી રહેશે.