ગંજીવાડામાં પુત્રવધૂના ત્રાસથી કંટાળી ડીડીટી પી લેનાર પતિ બાદ પત્નીનું પણ મોત
રાજકોટમાં બે આપઘાતના બનાવો પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યા છે.જેમાં પ્રથમ બનાવમાં આજીડેમ નજીક કિસાન ઇન્ડસ્ટ્રીઝ શેરી નં. 1 મુરલીધર કાંટા પાસે જય ગુરૂદેવ’ નામના કારખાના ના માલિકે લોખંડના એંગલમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે જ્યારે બીજા બનાવમાં ગંજીવાડામાં થોડા દિવસો પહેલા પુત્રવધૂના ત્રાસથી કંટાળી સાસુ સસરાએ ડીડીટી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં પ્રથમ પતિ અને ત્યાર બાદ આજે પત્નીનું પણ સારવારમાં મોત નીપજતાં અરેરાટી વ્યાપી છે.
પ્રથમ બનાવની મળતી વિગત અનુસાર શહેરમાં કોઠારિયા મેઇન રોડ પર જે.કે.પાર્ક શેરી નં. 3માં રહેતા લાલજીભાઇ વિઠ્ઠલભાઇ પઢારાએ (ઉ.35) ગઇકાલે આજીડેમ કિસાન ઇન્ડસ્ટ્રીઝ શેરી નં. 1 મુરલીધર કાંટા પાસે આવેલા પોતાના જય ગુરૂદેવ’ નામના કારખાનામાં લોખંડના એંગલમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. લાલજીભાઇ ઘરે ન આવતા તેના મોટાભાઇ તપાસ કરવા માટે કારખાને ગયા ત્યારે કારખાનાનો ડેલો અંદરથી બંધ હતો. તેણે ડેલો ખખડાવતા અંદરથી કોઇ જવાબ ન મળતા તેણે પોતાના કારીગરોને બોલાવ્યાહતા. કારીગરોએ કારખાનાના પતરા પર ચઢીને પતરૂ ઉચકાવતા લાલજીભાઇ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. બાદ કારીગરે અંદર જઇને ડેલો અંદરથી ખોલ્યો હતો.
બાદ લાલજીભાઇના મોટાભાઇ તથા આસપાસના લોકો અંદર જઇને તાકીદે 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી રાજીબેને તપાસ કરતા લાલજીભાઇનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. એમ.ડી.પરમારએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક લાલજીભાઇ બે ભાઇમાં નાના હતા તે કારખાનામાં સીલાઇ મશીનના પાર્ટસ બનાવવાનું કામ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી ધંધો બરાબર ચાલતો ન હોઇ, તેથી થોડા દિવસથી કારખાનુ બંધ હતું. આથી આર્થિક ભીંસના કારણે તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
જ્યારે બીજા બનાવમાં ગંજીવાડામાં શાળા નં. 66 પાછળ રહેતાં નિઝામભાઇ ઓસમાણભાઇ માંકોડા (ઉ.62) અને તેમના પત્નિ ઝરીનાબેન (ઉ.59)એ 26મીએ રાત્રીના ડીડીડી પી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે પૈકી અગાઉ પતિ નિઝામભાઇએ દમ તોડી દીધા બાદ આજે વહેલી સવારે પત્નિ ઝરીનાબેને પણ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ડાંગ માવતરે ગયેલી પુત્રવધૂએ પોલીસમાં ત્રાસની ખોટી અરજી કરતાં આ પગલુ ભર્યાનું બંનેએ જણાવ્યું હતું.નિઝામભાઇ અને પત્નિ ઝરીનાબેન ગયા રવિવારે ડીડીટી પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેને જણાવ્યું હતું કે, તેનો પુત્ર મહમદહનીફ બારેક વર્ષથી ઇંગ્લેન્ડ રહી ત્યાં નોકરી કરે છે.
તેની પ્રથમ પત્નિ નાઝીમાનું ત્રણ વર્ષ પહેલા બિમારીથી મૃત્યુ થયું છે. મહમદહનીફને સંતાન નથી. તે થોડા મહિના પહેલા વતન ભારત આવ્યો હતો. એ પછી આજથી બે મહિના પહેલા તેની બીજા લગ્ન ડાંગ આહવાની રાબીયા સાથે કર્યા હતા. બાદ પુત્રવધૂએ ખોટી રીતે પોલીસમાં અરજી કરી દેતા બંનેએ દવા ગટગટાવી લીધી હતી.હાલ પોલીસે નોંધ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.