વ્યાજંકવાદે વધુ એક પરિવારનો માળો વિખ્યો

સ્યુસાઇડ નોટમાં ત્રણ વ્યાજખોરનો ઉલ્લેખ: પોતાની જ દુકાનમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર

રાજ્ય સરકાર દ્વારા વ્યાજંકવાદને નાથવા માટે હથિયાર ઉગામ્યું હોવા છતાં પણ હજુ સુધી વ્યાજખોરના ત્રાસના કારણે આપઘાતના બનાવો વધતા રહ્યા છે જેના કારણે જાણે વ્યાજખોરને કાયદા અને કાયદાના રક્ષકોનો જરાય ભયના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેવો જ એક બનાવ રાજકોટમાં નોંધાયો છે જેમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક પરિવારનો માળો વિખાયો છે. પઠાણી ઉઘરાણી સામે હારેલા વેપારીએ પોતાની જ દુકાનમાં ગત રાત્રીના ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સ્યુસાઇડનોટમાં ઉલ્લેખ કરેલ આરોપીઓની જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ ઇન્કાર કર્યો છે.

IMG 20230302 WA0013

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મવડી નગરમાં વિનાયક નગર વિસ્તારમાં રહેતા અને મોટામૌવા પાસે સફલ રેસીડેન્સી પાસે કોલસાની દુકાન ધરાવતા રવાભાઈ ખોડાભાઇ ઝાપડા નામના ૪૦ વર્ષીય યુવાને રાત્રીના સમયે પોતાની જ દુકાનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. રવાભાઈનો પુત્ર દુકાન પર આવ્યો ત્યારે પરિવારજનોને બનાવ અંગેની જાણ થઈ હતી.

તાત્કાલિક ધોરણે ૧૦૮માં ફોન કરતા ૧૦૮ના સ્ટાફે રવાભાઈ ઝાપડાને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. આ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રવાભાઈ ઝાપડા કોલસાનો વેપાર કરતા હતા અને તેઓએ કોઈ કારણોસર ત્રણ વ્યાજખોરો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. જેના કારણે આ ત્રણ વ્યાજખોરમાંથી એક વ્યાજખોરે રૂ.૧ લાખની સામે રૂ.૧૩ લાખ વસુલ્યા હતા તો બીજા વ્યાજખોર દ્વારા તેમનું મકાન પચાવી પાડવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી ૧૩ તોલા સોનું પચાવી પાડ્યું હતું. આ ત્રણેય વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત કોલસાના વેપારીએ પોતાની જ દુકાનમાં આપઘાત કરી લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ છે.

 

IMG 20230302 WA0011આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે વેપારીના મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ કબજે કરી વ્યાજખોર સામે આકરા પગલાં લેવા માટે કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ મૃતક રવાભાઈ ઝાપડાના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.

કેશોદ: વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાનનો આપઘાત

કેશોદમાં રણુજાધામ સોસાયટી હવેલી પાસે રહેતા કિશન અશોકભાઈ ખાણદલ નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક કિશને ભાયા ઉર્ફે જગા મારૂ અને માલદે કેશુ ઓડેદરા નામના શખ્સો પાસેથી રૂ.૨ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે કિશને વ્યાજના રૂ.૩.૫૦ લાખ ચૂકવી દીધા છતાં પણ બંને વ્યાજખોરોએ વધુ એક લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેનાથી કંટાળી યુવાને ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક કિશનના પિતાની ફરિયાદ પરથી કેશોદ પોલીસે ત્રણ વ્યાજખોર સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.