ત્રણ શખ્સોએ તલવાર સાથે મકાનમાં ઘુસી તોડફોડ કરી પરિવારને માર માર્યો
શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી માલધારી સોસાયટી રસ્તા પર પાર્ક કરેલા બાઇકને હટાવવાના પ્રશ્ર્ને થયેલા ઝઘડાના કારણે માથાભારે શખ્સ અને તેના બે સાગરિતોએ તલવાર સાથે પાડોશી પરિવાર પર હુમલો કરી મકાનમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માલધારી સોસાયટીમાં રહેતા અને લસણ વેચવાનું કામ કરતા નિલેશ શંભુભાઇ સોલંકીએ તેના પાડોશમાં રહેતા કિશન દામજી રાઠોડ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ તલવારથી હુમલો કરી મકાનમાં તોડફોડ કર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નિલેશ સોલંકી અને તેમના પત્ની જયશ્રીબેન રિક્ષામાં બેસી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ સંબંધીના ખબર અંતર પૂછવા માટે જતા હતા ત્યારે રસ્તામાં કિશન રાઠોડનું બાઇક હોવાથી તેને બાઇકનું દુર કરવાનું કહેતા ના કહી હતી. આથી નિલેશ સોલંકીએ બાઇકને દુર કરવાનો પ્રયાસ કરતા કિશન રાઠોડ ઉશ્કેરાયો હતો અને ગાળો દઇ પોતાના ઘરમાંથી તલવાર લઇને ઘસી આવ્યો હતો.
આથી નિલેશ સોલંકી અને તેમના પત્ની જયશ્રીબેન સોલંકી પોતાના મકાનમાં જતા રહેતા કિશન રાઠોડ અને તેની સાથેના બે શખ્સોએ મકાનમાં ટીવી સહિતની ઘરવખરીમાં તોડફોડ કરી હતી. મકાનમાં નુકસાન ન કરવા અંગે જયશ્રીબેન સમજાવતા તેમના પર તલવારથી હુમલો કર્યો હતો. માતા જયશ્રીબેનને બચાવવા વચ્ચે પડતા પ્રકાશને પણ તલવારનો એક ઘા મારી દીધો હતો. તેમજ પ્રકાશની પત્ની અને તેના બે પુત્રને પણ કિશન રાઠોડ અને તેના બે સાગરીતોએ ગાળો દઇ ઢીકાપાટુ મારી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બી ડિવિઝન પોલીસ મથકમાં નિલેશ સોલંકીની ફરિયાદ પરથી કિશન રાઠોડ સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી એએસઆઇ એ.વી.બકુત્રા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.