શહેરના રણુજા મંદિર પાસે સાસરું ધરાવતી અને માંડાડુંગરમાં બે દિવસથી માવતરે રહેતી પરિણિતાએ સાસરિયાના ત્રાસથી ઝેરી દવા પી આજીડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ડેમના કાંઠે રહેલા યુવાનોએ પરિણિતાને બચાવી લઈ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
રણુજાનગરની પરણિતાએ ઝેરી દવા પી આજી ડેમમાં પડતું મૂક્યું
પતિ-પત્નીના ચાલતા મન:દુ:ખના કારણે કર્યો આપઘાતનો પ્રયાસ
પ્રાપ્ત વિગત મુજબ હાલ બે દિવસથી આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમાં માવતરે રહેતી દિશુ અલ્પેશભાઈ ખૂંટ (ઉ.21) નામની પરિણિતાએ આજે સવારે આજીડેમ અંદર ઝેરી દવા પી લઈ ડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર મહિલા અને યુવાનોએ પરિણિતાને બચાવી લઈ તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
પ્રાથમિક તપાસમાં તેણીના લગ્ન બે વર્ષ પહેલા રણુજા મંદિર પાસે જે.કે. પાર્કમાં રહેતા અલ્પેશ સાથે થયા હતા. પતિ ઈમીટેશનનું કામ કરતો હતો. અવાર-નવાર પતિ તું ગમતી નથી તેમ કહી છુટાછેડા લેવાનુ કહેતો અને કઈ કામ કરતો ન હતો અને પોતે બ્યુટીપાર્લર અને દરજી કામ કરતી હોય જેની આવકથી ઘરનું ગુજરાન ચલાવતી હતી. બે દિવસ પહેલા તેણી માવતરે આવી હોય આજે પતિને ફોન કરતા તેના ફોન બંધ આવતા હતા અને જેઠને ફોન કરતા તેણે દોઢ લાખની માગણી કરી હતી અને પતિ સાથે વાત ન કરાવતા તેણીએ આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઈ પરિણિતાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
ત્રણ દિવસ પૂર્વે પતિએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
સાસરિયાના ત્રાસથી જેરી દવા પી આજીડેમમાં ઝંપલાવી લેનાર દિશુના પતિ અલ્પેશ દામજીભાઈ ખૂંટ (ઉ.27)એ ગત તા.29ના રોજ જે.કે.પાર્કમાં તેના મકાનના બીજા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. દિશુના માવતરના જણાવ્યા મુજબ અલ્પેશ દિશુને માવતરેથી પૈસા લાવવા દબાણ કરતો હોય પરંતુ પૈસા ન લાવતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પુત્રી દિશુ તેના પતી પાસે ખાનગી હોસ્પિટલમાં હોય જ્યાંથી પતિને રજા આપતા સાસરિયા દિશુને ઘરે લઈ ગયા ન હતા. જેથી તેણી માવતરે આવી હતી.