372 બોટલ વિદેશી દારૂ, ઇક્કો કાર અને બાઈક મળી રૂ.4.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ શહેરના ભાગોળે આવેલા હડાળાના પાટીયા પાસે આવેલી આસોપાલવ સોસાયટીમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી રૂ.1.50 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. પોલીસે દરોડો પાડી 372 વિદેશી દારૂ, ઈક્કો કાર અને બાઈક મળી રૂ.4.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી અને કોન્સ્ટેબલ ચેતનસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે હડાળાના પાટીયા પાસે આવેલી આસોપાલવ સોસાયટીમાં દરોડો પાડયો હતો. ક્રાઇમ બ્રાન્ચે પાડેલા દરોડામાં રૂ.1.50 લાખની કિંમતની 372 વિદેશી દારૂની બોટલ, રૂ.3 લાખની કિંમતની ઈકકો કાર અને રૂ.50,000ની કિંમતના બાઈક સહિત કુલ રૂ.4.98 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના કમલેશ બાબુલાલ કારેલિયા, હુશેન બાબુલાલ જુણેજા અને જામનગરના પ્રતીક કિશોર પરમાર નામના ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા હતા.