અબતક, રાજકોટ
રાજકોટના ઢેબર રોડ શ્રમજીવી સોસાયટીમાં આવેલ ગોડાઉન અને નવા બસ સ્ટેન્ડ પર આવેલ ઓશો કલીનીકમાંથી એકસ્પાયરી ડેટની દવા અને સીરપનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યા બાદ કહેવાતા ડોકટર દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળનું જરુરી FSSAI નંબરનું સર્ટીફીકેટ પણ ખેડુતના નામે હોવાનું બહાર આવતા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખેડુતની ફરીયાદ પરથી કહેવાતા ડોકટર દંપતિ સહીત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
ઢેબર રોડ શ્રમજીવી સોસાયટી શેરી નં. ૨/૫ ના ખુણે આવેલ દવાના ગોડાઉનમાં બે દિવસ પહેલા એસ.ઓ.જી.એ દરોડો પાડી જીણવટભરી તપાસ કરતા એકસ્પાયરી ડેટની દવા તેમજ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ફુડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતા તેના અધિકારીઓ પણ ઘટતા સ્થળે દોડી જઇ તપાસમાં ઝંપલાવ્યું હતું. એસ.ઓ.જી. ની તપાસમાં ગોડાઉન ગોંડલ રોડ રામનગર-પ માં રહેતા કહેવાતા ડોકટર પરેશ હરીલાલ પટેલની માલીકીની હોવાનું અને એકસ્પાયરી ડેટની દવા અને સીરપના સ્ટીકર બદલાવી નાખી દર્દીઓને ધાબડી દેવાનું જબરદસ્ત કૌભાંડ પ્રકાશમાં આવતા પોલીસે ગોડાઉનમાંથી ૨૧,૨૫,૨૦૦ ની કિંમતની એકસ્પાયરી ડેટની દવા અને સીરપનો જથ્થો કબ્જે કર્યો હતો.
ત્યારબાદ ગઇકાલે એસ.ઓ.જી. ની ટુકડી અને આર.એમ.સી.ના આરોગ્ય વિભાગની ટીમ નવા બસ સ્ટેન્ડ પર ત્રીજા માળે આવેલ આરોપીની માલીકીની ઓશો કલીનીક અને એજન્સી પર ત્રાટકી તપાસ કરતા ઓશો કલીનીક કહેવાતા ડો. પરેશ પટેલની પત્ની મીતલબેન પટેલ ચલાવતી હોવાનું અને તેમાંથી પણ રૂ . ૧,૫૯,૩૫૫ ની કિંમતની એકસ્પાયરી ડેટની દવા અને સીરપનો જથ્થો મળી આવતા પોલીસે ગોડાઉન, કલીનીક અને એજન્સી પર સીલ મારી મુદામલ સીઝ કરી દીધો હતો.
કોર્પોરેશન આરોગ્ય વિભાગે દવા અને સીરપ માટે જરુરી ફુડ કેટેગરી ન્યુટ્રીશનલ હેલ્થ અપલીમેન્ટનું ઉત્પાદન અને વ્યવાસય માટે જરુરી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અંતર્ગત નંબરનું સટીફીકેટની ચકાસણી કરતા આ નંબર કહેવાતા ડો. પરેશ પટેલના નામે નહી હોવાનું અને સર્ટીફીકેટ પણ બોગસ હોવાનું ખુલ્યુંહતું.
એસ.ઓ.જી. દ્વારા સટીર્ફીકેટની તપાસ કરતા FSSAI નંબર કોટડા સાંગાણીના રામોદ ગામના ખેડુત ઉપેન્દ્રભાઇ ડાયાભાઇ નાથાલી (ઉ.વ.૪ર)નું હોવાનું અને તેની પેઢીનું નામ વ્રજરાજ ઓર્ગેનીકસ હોવાનું જાણવા મળતા પોલીસે ખેડુતની ફરીયાદ પરથી રામનગર-પમાં રહેતા કહેવાતા ડોકટર પરેશ હરીલાલ પટેલ (ઉ.વ.૪૭) તેની પત્ની મીનલબેન પરેશ પટેલ અને રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ દર્શન હાઇટમાં રહેતા ગ્રાફિકસ ડિઝાઇનરના ધંધાર્થી પ્રીન્સ હીતેષ દઢાણીયા (ઉ.વ.ર૪) સામે આઇ.પી.સી.ની કલમ ૪૬૫, ૪૬૭, ૨૭૨, ૨૭૪, ૨૭૫, ૧૨૦-બી હેઠળ ગુનો નોંધી કહેવાતા તબીબ દંપતિ સહીત ત્રણેય શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસની તપાસમાં પરેશ પટેલ દવાના સ્ટીકર અને સીરપના સ્ટીકર ગોંડલ રોડ સમૃઘ્ધિ ભવનમાં રૂ દ્ર ગ્રાફીકસના માલીક પ્રીન્ટ દઢાણીયા પાસે છેલ્લા એક વર્ષથી તૈયાર કરાવતો હતો.પોલીસે કહેવાતા ડોકટર દંપતિ સહીત ત્રણેય શખ્સોને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે. અને આ કૌભાંડ છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું. અત્યાર સુધી એકસ્પાયરી ડેટની દવા અને સીરપનો જથ્થો કોને કોને આપ્યો છે તે સહીતના મુદ્દે આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી છે.
આ કામગીરી એ.સી.પી. ક્રાઇમ ડી.વી. બસીયા એસ.ઓ.જી. પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ એમ.એસ. અંસારી, ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, રવિભાઇ વાંક, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશન આહીર, મોહીતસિંહ જાડેજા સહીતના સ્ટાફે કરી હતી.
એકસ્પાયરી ડેટની દવા-સીરપ ફેંકી દેવાતા ભાવે કંપની પાસેથી ખરીદ કરતો હોવાનું ખુલ્યું
રાજકોટના ઢેબર રોડ શ્રમજીવી સોસાયટી અને નવા બસ સ્ટેન્ડમાં આવેલ ઓશો કલીનીકના ગોડાઉન અને એજન્સીમાંથી લાખો રૂ પિયાનો એકસ્પાયરી ડેટની દવા અને સીરપનો જથ્થો મળી આવ્યા બા પોલીસે હાથ ધરેલી તપાસમાં એકસ્પાયરી ડેટની દવા અને સીરપ દર્દીઓને ધાબડી દઇ લાખોની કમાણી કરી લેવાના જબરદસ્ત કૌભાંડનો પદાર્ફાશ થયો છે. ત્યારે કહેવાતા ડો. પરેશ પટેલ દ્વારા દવા અને સીરપનો જથ્થો જુદી જુદી કંપની પાસેથી ફેંકી દેવાના ભાવે ખરીદ કરતો હોવાનું બહાર આવ્યું છે.
કહેવાતા ડોકટર પરેશ પટેલની આગવી ઢબની પુછપરછમાં પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા પરેશે એકસ્પાયરી ડેટની દવા અને સીરપનો જથ્થો અમદાવાદ, ભરુચ, વાપી સહીતના સ્થળોએ આવેલી દવા બનાવતી કંપનીઓ પાસેથી પાણીના ભાવે ખરીદ કરી તેના સ્ટીકર, રેપર બદલાવી નાખતો હોવાનું બહાર આવ્યું છે.આ કૌભાંડમાં દવા બનાવતી કંપનીના કોઇ કર્મચારીઓ કે અધિકારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
કહેવાતો ડોકટર પરેશ પટેલ ૧ર નહીં ૭ ધોરણ પાસ છે પત્ની મીતલે બી.કોમ. એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો છે
ઠોઠ નિશાળીયાના વેશ ઝાઝા કહેવતને કહેવતા ડોકટર પરેશ પટેલે સાબીત કરી દીધું છે સાત ચોપડી સુધીનો અભ્યાસ કર્યા બાદ પોતાને ડોકટર તરીકે ઓળખાવવા ૨૦૧૫માં એફીડેવીટ કરી નામ આગળ ડોકટર લખી ગેજેટમાં પ્રસિઘ્ધ કરાવી દીધું હતું એટલું જ નહી પરેશ પટેલની પત્ની તેના કરતા વધુ ભણેલી હોવાનું જાણવા મળ્યું છે. મીતન પટેલ બી.કોમ. એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે.