બાઇક પર આવેલા બે શખ્સોએ બે વખત અડધી ચા પીવાના બહાને આવી રેકી કર્યા બાદ સોનાનો ચેન ઝુંટવી કોર્પોરેશન ચોક તરફ ભાગી ગયા

શહેરના કેનાલ રોડ પર આવેલા જોકર ગાઢીયાની સામે કોર્નર કનૈયા ચાની હોટલ માલિકના ગળામાંથી વહેલી સવારે ડબલ સવારી બાઇક પર આવેલા શખ્સો તેર તોલા સોનાના ચેનની ચીલ ઝડપ કરી કોર્પોરેશન ચોક તરફ ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મીલપરા શેરી નંબર 13માં રહેતા અને કરણપરા શેરી નંબર 36ના ખૂણે કોર્નર કનૈયા નામે ચાની હોટલ ધરાવતા હરેશભાઇ હરજીભાઇ ડાભીએ રૂા.4 લાખની કિંમતના 13 તોલા સોનાના ચેનની ચીલ ઝડપ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હરેશભાઇ ડાભી સવારે છ વાગે પોતાની હોટલે આવ્યા ત્યારે એક બાઇક પર બે અજાણ્યા શખ્સો ચા પીવા આવ્યા ત્યારે ચા બનાવતા હોવાથી બંને શખ્સોને હોટલમાં બેસવાનું કહ્યું હતું. બંને શખ્સો ત્યાંથી જતા રહ્યા બાદ ફરી આવીને અડધી ચા પી જતા રહ્યા હતા ત્યાર બાદ થોડીવારે ફરી અડધી ચા પીવા માટે બંને શખ્સો આવ્યા ત્યારે એક શખ્સે પોતાનું બાઇક ચાલુ રાખ્યું હતું અને કાળા કપડા પહેરેલો આશરે 35 વર્ષના અજાણ્યા શખ્સે ગળામાંથી ચેનની ચીલ ઝડપ કરી ભાગી ગયા હતો.

હરેશભાઇ ડાભીએ સ્પોર્ટ બાઇક પર ચીલ ઝડપ કરી ભાગેલા બને શખ્સોનો એક્ટિવા પર પીછો કર્યો હતો પરંતુ બંને શખ્સો બાઇક પર કોર્પોરેશન ચોક થઇ રજપૂતપરા તરફ ભાગી ગયા હતા. બાઇકના નંબર ન હોવાનું હરેશભાઇ ડાભીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. હરેશભાઇ ડાભીએ 20 વર્ષ પહેલાં મયુરનગરમાં આવેલા મયુર જવેલર્સમાં રૂા.4 લાખમાં 13 તોલા સોનાનો ચેન બનાવ્યો હતો અને તેઓ સોનાનો ચેન રેગ્યુલર પહેરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.