રોડ-રસ્તાના કામમાં ટીપીઆઇ માટે રિ-ટેન્ડર કરવાની દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલાઇ
સામાન્ય રીતે સરકારના નિયમ અનુસાર 50 લાખ કે તેથી વધુના કોઇપણ કામ માટે ટેન્ડર પ્રસિદ્વ વિના કોન્ટ્રાક્ટ આપી શકાતો નથી. દરમિયાન શહેરમાં થતા રોડ-રસ્તાના કામોમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે ટેન્ડર વિના જ અમદાવાદની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી ખટાવવાનો કારસો સ્ટેન્ડિંગ કમિટીના જાગૃત સભ્ય નેહલભાઇ શુક્લના કારણે ફેઇલ ગયો હતો. હવે આ કામ ટેન્ડર પ્રસિદ્વ કરવાની સુચના સાથે દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે.
આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલભાઇ શુક્લએ એવું સૂચન કર્યું હતું કે સામાન્ય રીતે સરકારની સૂચના મુજબ 50 લાખ કે તેથી વધુના કોઇ કામ માટે ટેન્ડર પ્રસિદ્વ કરી ઓફર મંગાવ્યા વિના કોન્ટ્રાક્ટ આપી શકાતો નથી.
ત્યારે રોડ-રસ્તાના કામ માટે અમદાવાદની ડેલ્ફ ક્ધસલ્ટીંગ એજન્સીને જૂના ભાવ મુજબ કામ આપવાની દરખાસ્ત રજૂ કરાઇ છે જે નિયમ વિરૂધ છે. ડેલ્ફને અત્યાર સુધી ટીપીઆઇ માટે પ્રોજેક્ટ કોસ્ટના 0.45 થી 0.70 ટકા ચુકવણી કરવામાં આવતી હતી. નેહલભાઇની વાતમાં દમ લાગતા અંતમાં આ દરખાસ્ત આજે પરત મોકલવામાં આવી હતી અને ટેન્ડર મંગાવી કામ સોંપવા તાકીદ કરાઇ છે.
આ ઉપરાંત નેહલ શુક્લએ રૂ.6 કરોડના ખર્ચે ક્યુબીક મીટરની ક્ષમતાવાળું 50 મીની ટીપર ખરીદવાની દરખાસ્ત સામે પણ સવાલ ઉઠાવ્યા હતાં. તેઓએ સંકલનમાં જણાવ્યું હતું કે રાજ્યની મહાનગર પાલિકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે કોન્ટ્રાક્ટ આપી દે છે. જેમાં એજન્સીએ મીની ટીપરની ખરીદી કરવાની રહે છે. ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા કેમ ટીપરવાનની ખરીદી કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટ અપાય છે તે આશ્ર્ચય પમાડે તેવી બાબત છે. આ અંગે ભવિષ્યમાં વિચારણાં કરવામાં આવશે તેવી ખાતરી તેઓને આપવામાં આવી છે.