કોઠારીયા રોડ પર કારખાનામાંથી તસ્કરોએ રોકડ અને મોબાઇલની કરી તફડચી

તહેવારોના સમયમાં લોકો ઘરને તાળા મારી બહાર ફરવા અને કામ સબબ જતા હોઇ છે. ત્યારે આ તકનો લાભ લઇ તસ્કરો તહેવારોમાં માંજા મુકી અને સ્થળોએ હાથ ફેરો કરી જાય છે. ત્યારે શહેરમાં ચોરીના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પ્રથમ કાલાવડ રોડ પર રહેતા પરિવાર કામ સબબ બહાર ગયો હોવાથી તેનાં બંધ મકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરો 13 તોલા સોનુ અને રોકડ મળી કુલ રૂ. 4.77 લાખની ચોરી કરી ગયા હતા. જયારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર આવેલા એક કારખાનામાં તસ્કરો ટેબલ તોડી તેની અંદર રાખેલો માલીકનો ફોન ચોરી કરી ગયા હતા. પોલીસે બન્ને ગુનાની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ કાલાવડ રોડ પર આવેલ રવિ પાર્ક-1 માં રહેતા રવિભાઇ હસમુખભાઇ ભાલાણીએ પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેના પત્ની અને પુત્ર સાથે ગત તા. 16 ના તેના મમ્મીના ઘરે ઢેબર કોલોનીમાં ગયા હતા ત્યારે પાછળથી તેના બંધ મકાનમાં તસ્કરો ત્રાકયા હતા. અને તેના ઘરમાં રહેલ 7 હજાર રૂપિયા રોકડ અને 13 તોલા સોનાના દાગીનાની ચોરી કરી નાશી ગયા હતા.જેની ફરીયાદ તેને યુનિવર્સિટી પોલીસમાં નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં મવડી ચોકડીમાં રહેતા જિગ્નેશભાઇ દુધાતે પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓનું કોઠારીયા રોડ પર આવેલ કારખાનામાં રાત્રીના સમયે મનદીપ અને શ્યામ કુમારએ વંડી ટપી અંદર ધુસી ટેબલમા રાખેલા રોકડ રૂ. પ હજાર અને મોબાઇલ મળી કુલ રૂ. 13 હજારની ચોરી કરી ગયા હોવાની ફરીયાદ આજી ડેમ પોલીસમાં નોંધાવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.