- યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગ, કલા વિભાગ, સાંસ્કૃતિક વિભાગની જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવશે
- યુવક મહોત્સવમાં હાલરડાં, ગાન, લોકસંગીત, ગીત, નૃત્ય, નાટક, એકાંકી, મુખ અભિનય, રંગોળી સ્પર્ધા, પોસ્ટર મેકીંગ અને ગાયન સહિતની 33 સ્પર્ધાઓ યોજાશે
- યુવક મહોત્સવની સાથોસાથ મુખ્ય રંગમંચ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને કમ્બાઇન્ડ સાયન્સ લેબોરેટરીનું લોકાર્પણ ઉપરાંત ભાષા ભવન, આઇક્યુએસી ભવન અને એમસીએ ભવનનું ખાતમુહુર્ત કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16મી સપ્ટેમ્બરે શિક્ષણમંત્રીના હસ્તે યુવક મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં હાલરડાં, ગાન, લોકસંગીત, ગીત, નૃત્ય, નાટક, એકાંકી, મુખ અભિનય, રંગોળી સ્પર્ધા, પોસ્ટર મેકીંગ અને ગાયન સહિતની 33 સ્પર્ધાઓ યોજાશે. યુવક મહોત્સવની સાથોસાથ મુખ્ય રંગમંચ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને કમ્બાઇન્ડ સાયન્સ લેબોરેટરીનું લોકાર્પણ ઉપરાંત ભાષા ભવન, આઇક્યુએસી ભવન અને એમસીએ ભવનનું ખાત મુહુર્ત કરાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે યુવક મહોત્સવ મૌકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોનાનું પ્રમાણ ઓછું થતાં ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય રંગમંચ ખાતે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની અત્યારથી તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. આ યુવક મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં અનેક વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે અને ખાસ તો શિક્ષણમંત્રીને યુવક મહોત્સવ ખૂલ્લો મૂકવા માટે આમંત્રણ પણ આપી દેવાયું છે.
મળતી માહિતી મુજબ યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 242 કોલેજના વિદ્યાર્થીઓ જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લેશે અને આ યુવક મહોત્સવને નિહાળવા 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉમટે તેવી શક્યતા છે. એક-બે દિવસમાં યુવક મહોત્સવ માટેનું રજીસ્ટ્રેશન યુનિવર્સિટીના વેબસાઇટમાં ઓપન કરવામાં આવશે. આ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગ, કલા વિભાગ અને સાંસ્કૃતિક વિભાગની જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવશે. સાથોસાથ છેલ્લા બે થી ત્રણ વર્ષમાં ત્રણ નવા બિલ્ડીંગો તૈયાર કરવામાં આવ્યા છે. તેનું પણ લોકાર્પણ કરાશે. સાથોસાથ ત્રણ નવા ભવનનું ખાત મુહુર્ત શિક્ષણમંત્રીના હસ્તે કરવામાં આવશે.
એર્ક્સ્ટનલ ફોર્મ ભરવાની મુદ્ત ત્રણ દિવસ લંબાવાઇ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત મહિને 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એર્ક્સ્ટનલમાં પ્રવેશ મેળવ્યો છે. 8 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી એર્ક્સ્ટનલના ફોર્મ ભરવા માટેની સુવિધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ એર્ક્સ્ટનલ પ્રવેશથી વંચિત રહી ગયા છે. તેઓને યુનિવર્સિટી દ્વારા ફરી એક મોકો આપવામાં આવ્યો છે. આવતીકાલથી એટલે કે 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ વિદ્યાર્થીઓ કે જે એર્ક્સ્ટનલ બી.કોમ., એમ.કોમ., બી.એ., એમ.એ.માં પ્રવેશ મેળવવા ઇચ્છે છે તેઓ ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે.