યુવક ઢળી પડતાં હોસ્પિટલ લઈ જતા સારવારમાં દમ તોડયો: ચાર’દીમાં ત્રણ યુવાનોના હાર્ટ ફેલ
શહેરમાં ચાલુ સપ્તાહમાં નાની ઉંમરમાં ત્રણ યુવાનોના હાર્ટ ફેલ થઈ જતાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે ગઇ કાલે લોહાણાપરા પાસે ચાલુ નોકરીએ યુવાનને હાર્ટ એટેક આવતા તેને સારવારમાં ખસેડાયો હતો. જ્યાં સારવારમાં દમ તોડતા છેલ્લા ચાર દિવસમાં ત્રણ યુવકોના હાર્ટ ફેલ થઈ ગયાનું સામે આવ્યું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં સંતોષી પાર્ક દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને લોહાણાપરામાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ સામે સ્ટર્લીંગ કોમ્પલેક્ષમાં ક્ધસ્ટ્રક્શનની ઓફિસમાં નોકરી કરતા રીનેશભાઈ પ્રધોતભાઈ કોઠારી નામના 40 વર્ષીય યુવાનને ચાલુ નોકરીએ હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું.
રીનેશભાઈ કોઠારી ગઇ કાલે પોતાની ઓફિસે હતા ત્યારે એકાએક ઢળી પડતાં તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રીનેશભાઇ પોતાના પરિવારનો આધારસ્તંભ હતો. પોતે એક ભાઈ એક બહેનમાં મોટા હોવાનું અને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
હજુ ચાર દિવસ પહેલા જ શહેરમાં જુદા જુદા બે સ્થળોએ હાર્ટ એટેકના બે બનાવ નોંધાયા હતા. જેમાં મૂળ બગસરાના રહેવાસી અને રાજકોટમાં પેટિયું રડવા આવેલા અને કોઠારીયા મેઇન રોડ પર આનંદનગરમાં રહેતા નિમિત્ત મુકેશભાઈ આદરણી નામના 23 વર્ષીય યુવાન ગઇ કાલે સાંજે શાસ્ત્રી નગર પાસે હતો ત્યારે એકાએક હૃદય બેસી જતા તે ઢળી પડ્યો હતો. જ્યારે કોઠારીયા રોડ પર મુરલીધર વે બ્રિજ પાસે કારખાનામાં કામ કરતા જસ્મીન મુકેશભાઈ વઘાસિયા નામના 24 વર્ષીય યુવાનનું હૃદય બેસી ગયું હતું. નાની વયના યુવાનો અને કિશોરાવસ્થામાં વધતા જતા હાર્ટ એટેકના પ્રમાણના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.