ન્યૂ રાજકોટના પ્રવેશદ્વાર એવા કાલાવડ રોડ પર મોટા મવા સ્મશાનની પાસે આવેલા હયાત બ્રિજને પહોળા કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. 6 મહિનામાં બ્રિજને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થઇ જશે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ 13 મહિનામાં માત્ર 33 ટકા કામ પૂર્ણ થયું છે. હવે એજન્સી સામે આકરી કાર્યવાહીની સંભાવના પણ દેખાઇ રહી છે.

મોટા મવા બ્રિજને પહોળા કરવાનું કામ 13 મહિનામાં માત્ર 33 ટકા જ થયું: 6 મહિનામાં કામ પુરૂં થવાનો દાવો કરાયો હતો, દોઢ વર્ષે પણ કામ પૂર્ણ થાય તેવી સંભાવના નહિવત

મોટા મવા બ્રિજને પહોળો કરવાનું કામ બેકબોન એજન્સીને સોંપવામાં આવ્યો છે. ઓક્ટોબર-2022માં કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે 6 માસમાં બ્રિજને પહોળો કરવાનું કામ પુરૂં કરી દેવામાં આવશે. પરંતુ પિલરના કામની ગુણવત્તા નબળી હોવાના કારણે પાંચ પિલર તોડી પાડવામાં આવ્યા હતા. 13 મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં માત્ર 33 ટકા જેટલું કામ થયું છે. બ્રિજની એક સાઇટ હજુ પિલરનું કામ ચાલે તે છે બીજી સાઇટ સ્લેબ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખૂબ જ ધીમા કામ બદલ ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટ એજન્સી બેકબોન સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

નોટિસ ફટકારી અને પેનલ્ટી પણ ફટકારવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. આગામી 26મી જાન્યુઆરી આસપાસ બ્રિજનું કામ પૂર્ણ કરી લોકાર્પણ કરી દેવાની વિચારણા કરવામાં આવી રહી છે પરંતુ હાલના સંજોગો જોતા કોઇ કાળે મોટા મવા બ્રિજને પહોળો કરવાનું કામ જાન્યુઆરી માસ પૂર્ણ થાય તેવું લાગતું નથી. ગોકળગાયની ગતિએ ચાલતા બ્રિજના કામના કારણે વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશનના એકપણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતા નથી જેના કારણે શહેરીજનોએ ભારે હાડમારી સહન કરવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.