વર્ષ 2021-’22 વર્ષનો રાજકોટ જિલ્લાનો સાક્ષરતા દર અંદાજે 75%
સામાન્ય રીતે, સાક્ષરતા એટલે લખવું, વાંચવું અને સમજવું. સાક્ષરતા મનુષ્યના વિકાસ માટે અનિવાર્ય છે. દેશની પ્રગતિમાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે શિક્ષિત પ્રજા દેશનો વિકાસ કરી શકે છે. વિશ્વમાં શાંતિ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પણ સાક્ષરતા આવશ્યક છે. આથી, શિક્ષણનું મહત્વ દરેક વ્યક્તિએ સમજી સાક્ષર બનવું જોઈએ. ગરીબી, બેકારી, વસ્તીવધારો, રંગભેદ જેવા દૂષણોનું મૂળ નિરક્ષરતા છે. આથી નિરક્ષરતાને નાથવા માટે શિક્ષણનું મહત્વ ઉજાગર કરતા સવિશેષ કાર્યક્રમો ’વિશ્વ સાક્ષરતા દિન’ નિમિત્તે યોજવામાં આવે છે.
વિશ્વ સાક્ષરતા દિન દુનિયાભરમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ એજયુકેશનલ, સોશીયલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન-યુનેસ્કો (UNESCO) તરફથી વર્ષ 1965માં 17મી નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. 1966થી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમજ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે. આથી, સબ પઢે, સબ બઢે, પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા અને ઈચ વન, ટીચ વન, બેટી બચાઓ, બેટી પઢાવો જેવા સરકારે આપેલા સુત્રોને સાર્થક કરવા દરેક જાગૃત નાગરિકે આસપાસમાં રહેતા નિરક્ષર વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપી, પરોક્ષ રીતે રાજ્ય અને દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબુદી માટે પ્રયાસો કરવા અનિવાર્ય છે.
જિલ્લામાં સ્કૂલ ચલે અભિયાન કાર્યરત શિક્ષણાધિકારી બી. એસ. કૈલા
જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ જણાવ્યું હતું કે વર્ષ 2021-’22 વર્ષનો રાજ્યનો સાક્ષરતા દર આશરે 74% છે જયારે રાજકોટ જિલ્લાનો સાક્ષરતા દર અંદાજે 75% છે. કેન્દ્ર સરકારે ’ઓપરેશન બ્લેક બોર્ડ’ થકી બાળકોને શાળામાં ભણવા માટે વળ્યાં. તેમજ સ્કૂલ છોડી જતા અને અધ વચ્ચે અભ્યાસ છોડાતા વિધાર્થી માટે સ્કૂલ ચલે અભિયાન કાર્યરત છે. ઉપરાંત, ’રાષ્ટ્રીય સાક્ષરતા મિશન’ અંતર્ગત દેશમાં 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. જેને લઈને રાજ્ય સરકાર ’શાળા પ્રવેશોત્સવ’ અને ’શાળા ગુણોત્સવ’ જેવા કાર્યક્રમો થકી બાળકોને શાળામાં પ્રવેશ આપી શિક્ષણ આપવા કાર્યરત છે.
સાથેસાથે ’સર્વ શિક્ષા અભિયાન’ના ’આઉટ ઓફ સ્કુલ’ કાર્યક્રમ હેઠળ 15 થી 35 વયના નિરક્ષર લોકોને સર્વે મારફતે શોધીને તેઓની વય મુજબ ત્રણ મહિના સુધી શિક્ષણ આપવામાં આવે છે. ત્યાર બાદ તેઓની આવડત અને વય મુજબ જે-તે કક્ષાની પરીક્ષા આપી શકે છે. વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે સરકાર દ્વારા “નિરંતર શિક્ષણ” કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નિરક્ષર વ્યક્તિઓને શિક્ષણ આપી રાજ્યને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું “નિરંતર શિક્ષણ અભિયાન” પણ રાજયભરમાં ચાલી રહ્યું છે. નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ 35 થી વયથી વધુના ક્યારેય શાળાએ ન ગયેલા લોકોને સાક્ષર બનાવવા માટે વિવિધ વર્ગો ચલાવવામાં આવે છે. જેમાં સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ સહયોગ આપે છે. આમ, સરકાર સાક્ષરતાના દરને 100% તરફ લઈ જવા પ્રતિબદ્ધ છે.