રાજકોટની ખ્યાતનામ રામા મોટર ગેરેજના માલીક ચુનીભાઇ દેવજીભાઇ ચુડાસમા સામે તેમના પુત્ર ભરતભાઇ ચુનીભાઇ ચુડાસમાએ પોતાના કબજાની મિલ્કત ખાલી કરાવવામાં આવે નહીં કે કોઇને વેચાણ કરવામાં ન આવે તેવી દાદ માંગતો દાવો રાજકોટના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજની કોર્ટમાં દાખલ કરી મનાઇ હુકમની માંગણી કરી હતી. ન્યાયમૂર્તિ સંદીપ મનહરકુમાર ક્રીસ્ટીએ એક તરફી મનાઇ હુકમ પુત્રની તરફેણમાં પિતાની સામે ફરમાવ્યો હતો.
આ વિવાદની વિસ્તૃત માહીતી મુજબ પુત્ર ભરતભાઇ ચુનીભાઇ ચુડાસમા આશરે 17 વર્ષથી ઇન્દ્રપ્રસ્ત સોસાયટીમાં આવેલ રહેણાંકના મકાનમાં કુટુંબ સાથે રહે છે. અને મિલ્કતના દરેક પ્રકારના ટેકસ અને વીજળી બીલ તેઓ ચુકવી રહ્યા છે. પિતા ચુનીભાઇ દેવજીભાઇ ચુડાસમા યેન-કેન પ્રકારે હેરાન-પરેશાન કરી ખોટા કેસો કરી પોલીસ તંત્ર અને વહીવટી તંત્રનો ગેર ઉપયોગ કરી પુત્ર પાસેના કબજાની મિલ્કત ખાલી કરાવવા માંગતા હતા.પિતા ચુનીભાઇ દેવજીભાઇ ચુડાસમાએ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, રાજકોટ શહેર પ્રાંત અધિકારી સમક્ષ ભરણપોષણ મળવા માંગણી કરી હતી. તેમજ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટને પણ અરજ અહેવાલો કરાઇ હતા. આમ અનેક પ્રકારના દાવા અને ફરીયાદો કરી પિતા અવાર નવાર પુત્રને હેરાન-પરેશાન કરતા હતા આવા સંજોગોમાં ના છુટકે પુત્રે રાજકોટની સીવીલ અદાલતમાં પિતા સામે મનાઇ હુકમનો દાવો દાખલ કર્યો હતો. અદાલતે પુરાવા અને સંજોગોને ઘ્યાનમાં લઇ પિતા સામે મનાઇ હુકમ ફરમાવ્યો હતો.
કામમાં પુત્ર ભરતભાઇ ચુનીભાઇ ચુડાસમા પક્ષે ધારાશાસ્ત્રીઓ રામજીભાઇ માવાણી (માજી સાંસ સદસ્ય), રમાબેન માવાણી (માજી સાંસદ સદસ્યા) કીરીટકુમાર માવદીયા, મનોજભાઇ કોટડીયા, પંકજભાઇ કોયાણી વિગેરેએ દલીલો કરી હતી.