રાજકોટમાં ગઇ કાલે ઈદના પર્વ પર ઠેર ઠેર જુલૂસ નીકળ્યું હતું. પરંતુ શહેરમાં બે સ્થળોએ જુલૂસ દરમિયાન ભારે તંગદીલી સર્જાઈ હતી. પરંતુ પોલીસની ત્વરિત કામગીરીના પગલે મામલો થાળે પડ્યો હતો. ગઇ કાલે ફૂલછાબ પાસે ભીલવાસ ચોકમાં નીકળેલા જુલૂસ દરમિયાન બે જૂથ આમને સામને આવી જતાં મામલો તંગ બન્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ત્રણ શખ્સોને સંકજામાં લઈ લીધા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં ગઇ કાલે રાત્રીના સમયે એક તરફ મોહમદ પેંગબર સાહેબના જન્મદિન નિમિતે ઈદ એ મિલાદની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી હતી. જેમાં લઘુમતી સમાજ દ્વારા જુલૂસ કાઢી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી.
જૂની અદાવતમાં મારામારી, પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા: ત્રણ સંકજામાં
તે દરમિયાન શહેરના પોશ વિસ્તાર એવા ફૂલછાબ ચોકમાં ભીલવાસ વિસ્તારમાં જુલૂસ નીકળ્યું હતું. જેમાં જૂની અદાવતના કારણે બે મુસ્લિમ જૂથ આમને સામને આવી જતાં મામલો તંગ બન્યો હતો. જોત જોતામાં બંને જૂથ વચ્ચે હાથાપાઈ થઈ હતી અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ હુમલામાં એક યુવાનનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
જુલૂસ દરમિયાન માથાકૂટ થતા મામલો તંગ થઇ ગયો હતો અને ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીએસઆઈ કે.એસ.ભગોરા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને માથાકૂટ કરનાર ત્રણ ઈસમોને સંકજામાં લઈ મામલો થાળે પાડયો હતો. મામલો વધુ તંગ બને તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી મોટી માથાકૂટ થતા અટકાવી હતી.
સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈનની
પોલીસે જુલુસમાં અમલ કરાવતા સ્થિતિ વણસી
ડી.જે.બંધ કરાવતા મામલો ગરમાયો: આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મધ્યસ્થી ઘીના ઠામમાં ઘી પડ્યું
રાજકોટમાં ગઇ કાલે ઈદની ઉજવણી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ત્રિકોણ બાગ પાસે જુલૂસ નીકળ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન મુજબ પોલીસ રાત્રીના 10 વાગ્યા બાદ જુલૂસમાં ડી.જે.બંધ કરાવતા મામલો ગરમાયો હતો અને ક્ષણભરમાં જ ટોળેટોળા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ડીસીપી સુધીર દેસાઈ, એસીપી ચૌધરી અને પીઆઈ ધવલ હરીપરા સહિતનો સ્ટાફ એ ડિવિઝન પોલીસ મથકે દોડી ગયો હતો. ઘટનાના પગલે લઘુમતી સમાજના આગેવાનો પણ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને લઘુમતી સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. ત્યાર બાદ આગેવાનોએ ટોળાને સમજાવતા ઘીના ઠામમાં ઘી પડ્યું હતું.