માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાવતા લોકોના ટોળાના કારણે કોરોના સંકટ ભયાનક સ્તરે પહોંચ્યું
કોરોના મહામારીએ માજા મુકી છે. દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. રાજકોટમાં પણ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં શહેરની મધ્યમાં આવેલી મંગળવારી બજારના કારણે કોરોના વાયરસ બેકાબુ બને તેવી શકયતા છે. મંગળવારી બજારમાં જોવા મળતી ભીડના કારણે કોરોનાનો વિકરાળ રાક્ષસ અનેક લોકોને ભરખી જાય તેવી દહેશત સેવાઈ રહી છે. સામાન્ય રીતે કોરોના મહામારીએ માજા મુકી દેતા લોકો ભયભીત બન્યા છે. મોટાભાગના લોકો મજબૂરી વશ થઈને ભીડવાળી જગ્યાએ જાય છે પરંતુ મંગળવારી બજારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડતા કોરોનાના કેસ સતત વધશે તેવી દહેશત છે.
મંગળવારી બજારમાં ખુબ મોટાપાયે લોકો ઉપટી પડતા હોય છે. આવી સ્થિતિમાં માસ્ક વગર પણ કેટલાંક લોકો જોવા મળે છે. અધુરામાં પૂરું કેટલાંક લોકો ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી શકતા નથી. અત્યારે શહેરમાં વધી રહેલા કેસ આવાટોળા એકઠા થવાના કારણે જ વધે છે. રેકોર્ડબ્રેક કેસ નોંધાવા પાછળ શહેરના મધ્યમાં જોવા મળતા લોકોના ટોળા જ છે. મંગળવારી બજારમાં આજે અનેક લોકો ઉમટી પડ્યા હતા. જેમાંથી કેટલાંક લોકો પોઝિટિવ હોય શકે તેવી દહેશત પણ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં મંગળવારી બજાર કોરોનાનું જોખમ વધારી રહ્યું છે. લક્ષ્મીનગરના હોકર્સ ઝોન સહિતના વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડતા હોય છે. આવી સ્થિતિમાં કોરોના નિયંત્રણ કરવો મુશ્કેલ બન્યો છે.