હવે રૂ.૫ હજારની બદલે રૂ.૫૦ હજાર સુધીના ખર્ચ કરી શકશે !!
જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરનાં અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા સંપન્ન : જે કિસ્સામાં ચેકડેમની માલીકી નક્કી ન થાય તેવા કિસ્સામાં ચેક ડેમની મરામતની કામગીરી જિ.પં. કરશે
જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરનાં અધ્યક્ષ સ્થાને આજે સામાન્ય સભા મળી હતી. જેમાં રૂ.૨૯.૪૦ કરોડનાં ખર્ચે જિલ્લા પંચાયતનું નવુ બિલ્ડીંગ બનાવવાને લીલીઝંડી આપવામાં આવી છે. આ સાથે જે કિસ્સામાં ચેકડેમની માલિકી નક્કી ન થાય તેવા કિસ્સામાં ચેકડેમની મરામતની કામગીરી જીલ્લા પંચાયતને સોંપવાનો નિર્ણય કરાયો છે.
આ બેઠકમાં વિવિધ સમિતિઓને સત્તા સોંપણીની દરખાસ્ત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરવા અને ૫૪ પીએચસી કેન્દ્રની માળખાગત સુવિધાઓ વધારી અપગ્રેડ કરવા માટેની દરખાસ્ત, જિલ્લા પંચાયતના ૧૯૬૫માં બનેલ અતિશય જુના બિલ્ડીંગની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથેના ઇકો ફ્રેંડલી બિલ્ડીંગ બનાવવાની દરખાસ્ત અને જે કિસ્સામાં ચેક ડેમની માલિકી નક્કી ના થતી હોય તેવા કિસ્સામાં ચેક ડેમની મરામતની કામગીરી રાજકોટ જિલ્લા પંચાયતને સોંપવા અંગેની દરખાસ્ત કરાઇ હતી.
રાજકોટ જિલ્લા પંચાયતમાં સને ૧૯૯૫થી આજ સુધીમાં સત્તા સોંપણીના નિયમોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર આવેલ નથી. પરંતુ આજની રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નીચે મુજબની સમિતિઓ અને શાખા અધિકારીઓને સત્તા સોંપણીના નિયમોમાં ઐતિહાસિક સુધારો આવી રહ્યો છે કે જેથી લોકોના કામ સરળતાથી કોઇપણ પ્રકારની વહીવટી અડચણ વગર, પારદર્શકતાથી અને ખૂબ જ ઝડપથી થઇ શકશે.
સત્તા સોંપણીનો જૂનો નિયમ કે જેમાં માત્ર રૂપિયા ૫૦૦૦/- સુધીના ખર્ચ જે તે અધિકારીઓ કરી શકતા હતા અને ત્યારબાદ વધારાના ખર્ચ માટે ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું તેને બદલે હવેથી રૂપિયા પચાસ હજાર સુધીના ખર્ચની સત્તા તમામ શાખાના અધિકારીઓને આપવામાં આવશે, રૂપિયા એક લાખ સુધીના ખર્ચની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવશે, રૂપિયા એક લાખથી પંદર લાખ સુધીના ખર્ચની સત્તા જે તે સમિતિને આપવામાં આવશે, રૂપિયા પંદર લાખથી વધુ ખર્ચની સત્તા કારોબારી સમિતિને આપવામાં આવશે.
આમ સત્તા સોંપણીની આ નવી જોગવાઇથી જે વિવિધ સમિતિઓ રચવામાં આવેલ છે તેમને સત્તા મળવાથી જિલ્લા પંચાયતના લોકઉપયોગી કાર્યોને વેગ મળશે અને કોઇપણ પ્રકારની અડચણ વગર ઝડપથી કાર્યો પૂર્ણ થશે તેથી પ્રજાને તેનો સીધો લાભ ટૂંકા સમયમાં મળવા લાગશે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરવા અને ૫૪ પીએચસી કેન્દ્રની માળખાગત સુવિધાઓ વધારી અપગ્રેડ કરવા માટેની દરખાસ્ત :
પાનેલી અને દેરડી કુંભાજી ગામમાં હાલમાં કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરવા માટેની દરખાસ્ત કરેલ છે. આ દરખાસ્ત પાછળનો હેતુ લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળે તે માટેનો છેજે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં માત્ર એક જ મેડિકલ ઓફિસર, ૬ બેડની જ જે વ્યવસ્થા તેમજ મર્યાદિત નર્સિંગ સ્ટાફની હોય છે.
પરંતુ જો તેને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરવામાં આવે તો ત્યાં (૧) એમ ડી કક્ષાના ફિઝીસીયન ડોક્ટર, (૨) દાંતના ડોક્ટર, (૩) ફિઝીયોથેરાપિસ્ટ, (૪) ત્રણ એમ બી બી એસ ડોક્ટર (૫) સાત સ્ટાફ નર્સ (૬) એક્સ રે મશીનની સુવિધા (૭) ૩૦ બેડની સુવિધા તેમજ (૮) ૨૪ કલાક સેન્ટર પર ડોક્ટર તથા નર્સની ઉપલબ્ધી હોવાથી લોકોના આરોગ્યની ખૂબ જ સારી રીતે સંભાળ લઇ શકાય છે. અને બીમારીઓનો સ્થળ પર જ ઇલાજ કરી શકાય છે. આ ઉપરાંત બધા જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મીની ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત કરેલ છે. જેથી ભવિષ્ય ક્યારેય લોકોને ઓક્સિજનની તંગી કે હાલાકી ન પડે.
૫૪ પીએચસી કેન્દ્રની માળખાગત સુવિધાઓમાં ડિજીટલ ઇસીજી મશીન, બ્લડ સેલ કાઉન્ટર, સેમી ઓટો એનેલાઇસર, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોસટ્રેટર અને જનરેટર જેવી સુવિધાઓ વધારવામાં આવશે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને અમુક પ્રકારના બ્લડ રિપોર્ટ, ઇસીજી રિપોર્ટ વગેરે પ્રકારની આરોગ્યની સુવિધાઓ ગ્રામ્ય લેવલે જ મળી રહેતા શહેરો સુધી ધક્કો નહિં ખાવો પડે અને સમય અને નાણાંની બચત થશે. આ પગલું ગ્રામ્ય વિસ્તારોની આરોગ્યની સેવા માટે એક પ્રેરણારૂપ પહેલ છે અને દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે.
જિલ્લા પંચાયતના ૧૯૬૫માં બનેલ અતિશય જુના બિલ્ડીંગની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથેના ઇકો ફ્રેડલી બિલ્ડીંગ બનાવવાની દરખાસ્ત :જૂની જિલ્લા પંચાયતની જગ્યામાં નવું બિલ્ડીંગ ૨૯ કરોડ ૪૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે.ગ્રાઉન્ડ પ્લસ બે ફ્લોરનું ૮ લિફ્ટ અને ૩ વિંગ્સ સાથેનું વિશાળ બિલ્ડીંગ બનશે.સીસી.રોડ વિશાળ પાર્કિંગ, બગીચા તથા રાષ્ટ્રધ્વજ વંદન માટેની અલાયદી જગ્યા હશે.આરોગ્ય વિભાગને ખાસ કરીને આધુનિક બનાવવામાં આવશે જેમાં લેબોરેટરી, સ્ટોરરૂમ, અધિકારીઓની ચેમ્બરો, મુલાકાતીઓ માટેનો વેઇટિંગ રૂમ, મિટિંગ હોલ સહિતની સુવિધાઓ આપવામાં આવશે.
જિલ્લા પંચાયતના સભ્યો તેમજ અધિકારીઓ માટે અલાયદી ચેમ્બરો જેથી મુલાકાતીઓ સાથે સીધો સંપર્ક કરીને લોકોના કાર્યોનો ત્વરીત નિકાલ લાવી શકાય.૨૧મી સદીને અનુરૂપ આધુનિક માળખાગત સુવિધાઓ આ બિલ્ડિંગમાં જોવા મળશે.જે કિસ્સામાં ચેક ડેમની માલિકી નક્કી ન થતી હોઇ તેવા કિસ્સામાં ચેક ડેમની મરામતની કામગીરી રાજકોટ જિલ્લા પંચાયતને સોંપવા અંગેની દરખાસ્ત : વન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ડીઆરડીએ વિભાગ વગેરેના કાર્યક્ષેત્રમાં આવતા ચેક ડેમો કે જેમનો માલિકી હક્ક નક્કી ન થવાના કારણે મરામત થતી નથી એવા તમામ ચેકડેમની મરામત માત્રને માત્ર ખેડૂત ભાઇઓના હિતમાં (કે જેથી આંતરિયાળ ગામોને પીવાના અને ખેતીના પાણીની તકલીફ ન પડે અને ગામના પાણીના સ્તર ઉંચા આવે) તે માટે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે.