• ડીકેથલોન સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રા. લિ.કંપનીની ફ્રેન્ચાઇઝી અપાવી દેવાના નામે કટકે-કટકે નાણાં પડાવી લેવાયા

રાજકોટ શહેરના એક વેપારીને ડીકેથલોન સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ફ્રેન્ચાઇઝી અપાવી દેવાના બહાને ભેજાબાજ શખ્સોએ રૂ. 21.66 લાખનો ચુનો ચોપડી દીધો હોય તે પ્રકારનો મામલો એ ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.

શહેરના એસ્ટ્રોન ચોક પાસે નચિકેતા સ્ટેશનરી મોલ નામની પેઢી ધરાવતા કપિલભાઈ ધનજીભાઈ કાવર નામના 43 વર્ષીય વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ એસ્ટ્રોન ચોક પાસે પાંચ માળની બિલ્ડીંગમાં નચિકેતા સ્ટેશનરી મોલ નામે વ્યવસાય ધરાવતા હોય અને સ્પોર્ટ્સની આઈટમનો વેપાર કરવા ઈચ્છતા હોય દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે ડીકેથલોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડ કંપની બેંગ્લોરની હોય અને તે સ્પોર્ટ્સને લગતી આઈટમનું વેચાણ કરે છે. જેથી આ કંપનીની ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છતા વેપારીએ ગૂગલમાં ડીકેથલોન સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામથી સર્ચ કરતા વિનેશ શુક્લા, લીગલ એડવાઈઝર આશિષ પાંડે અને આસિસ્ટન્ટ મેનેજર મનશુસીંગ એમ કુલ ત્રણ શખ્સોના નામ, નંબર તેમજ ઈમેલ એડ્રેસ મળતા વેપારીએ આ શખ્સોનો સંપર્ક કર્યો હતો.

ગુગલમાં મળેલા ઈમેલ આઇડી મારફત સંપર્ક કરતા રજીસ્ટ્રેશન પેટે રૂ. 66,000 અને ડિપોઝિટ પેટે રૂ. 6,00,000 ની રકમ ભરવા માટે જણાવવામાં આવ્યું હતું આ બંને રકમ છે તેવું પણ વેપારીને જણાવવામાં આવ્યું હતું જે બાદ વિનેશ શુક્લા અને આશિષ પાંડે નામના શકશે વેપારીને ફોન કરીને તમામ પ્રક્રિયા જણાવી હતી. તેમજ રજીસ્ટ્રેશન ફી રૂ. 66000 અને ડિપોઝિટ પેટે રૂ. 6,00,000 એમ કુલ રૂપિયા 6.66 લાખ બેન્ક એકાઉન્ટ મારફત ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.

ભોગ બનનાર વેપારીએ એકવાર રકમ ટ્રાન્સફર કર્યા બાદ એડવાન્સ પેમેન્ટ તેમજ જીએસટી સહિતની રકમ પેટે અલગ અલગ રકમની માંગણી કરવામાં આવી હતી. જેથી વેપારીએ કટકે કટકે કુલ રૂપિયા 21, 66,000ની રકમ ટ્રાન્સફર કર્યા બાદ વધુ પૈસાની માંગણી કરવામાં આવતા અંતે વેપારીએ ખરાઈ કરતા આ શખ્સોએ તેમની સાથે આર્થિક છેતરપિંડી કર્યાંનું ધ્યાનમાં આવ્યું હતું.

હાલ એ ડીવિઝન પોલીસે વિનેશ શુક્લા, આશિષ પાંડે, મનશુસીંગ તેમજ તપાસમાં ખુલે તે તમામ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ કોલ ડીટેલ અને ઇમેલ આઇડી સહિતની વિગતો મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.