મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદ માટે શહેર ભાજપ દ્વારા 13 નામો અપાયા
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, ડે.મેયરની ચૂંટણી અને સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂંક કરવા માટે આગામી 12મી માર્ચના રોજ ખાસ બોર્ડ મળનાર છે. દરમિયાન રાજ્યની છ મહાનગરપાલિકાઓના હોદ્દેદારોના નામ ફાઈનલ કરવા ગઈકાલે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી.
જેમાં શહેર ભાજપ દ્વારા ચાર-ચાર નામોની પેનલ રજૂ કરવાના બદલે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ઉભડક નામો આપી દેવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. બોર્ડ પૂર્વે એક કલાક અગાઉ મળનારી ભાજપના સંકલન બેઠકમાં બંધ કવરમાં પ્રદેશમાંથી હોદ્દેદારોના નામો મોકલવામાં આવશે.
ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ શહેર ભાજપ દ્વારા 68 કોર્પોરેટરોના નામો રજૂ કરી દેવામાં આવ્યા છે. પેનલ રજૂ કરાઈ નથી. મેયર પદ માટે ડો.અલ્પેશ મોરજરીયા, પ્રદિપ ડવ, બાબુ ઉધરેજા અને નરેન્દ્ર ડવના નામ આપવામાં આવ્યા છે તો ડે.મેયર પદ માટે ડો.દર્શનાબેન પંડ્યા, ડો.દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડીયા અને કંજનબેન સીધ્ધપુરાના નામો આપવામાં આવ્યા છે. તો સ્ટે.કમીટીના ચેરમેન પદ માટે દેવાંગભાઈ માંકડ, જયમીન ઠાકર, મનિષ રાડીયા, પુષ્કરભાઈ પટેલ અને અશ્ર્વિન પાંભરનું નામ આપવામાં આવ્યું છે.
જ્યારે શાસક પક્ષના નેતા અને પક્ષના દંડક તરીકે કોઈ નામો બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી. ભાજપની પ્રણાલી મુજબ હવે પ્રદેશમાંથી ખાસ બોર્ડના એક કલાક પૂર્વે મળનારી ભાજપના નગરસેવકોની સંકલન બેઠકમાં એક બંધ કવરમાં પાંચેય પદાધિકારીઓના નામ મોકલવામાં આવશે. ત્યાં સુધી બસ સસ્પેન્સ રહેશે.
જો કે આવતા વર્ષે અંતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય દિલ્હી હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ તમામ છ મહાપાલિકાઓના પદાધિકારીઓના નામ ફાઈનલ કરવામાં આવશે.
અનુભવીઓની અછત: શાસકો પર ‘માર્ગદર્શકો’ મુકાશે
મહાપાલિકામાં સંકલનની જવાબદારી શહેર ભાજપના પાંચેક સિનિયર નેતાઓને સોંપાય તેવી સંભાવના
બેઠકોની દ્રષ્ટિએ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભલે રેકોર્ડબ્રેક વિજય થયો હોય પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવા માટે પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવેલા નિતી નિયમોના કારણે હવે સીનીયરોની અછત વર્તાવા લાગી છે. આવામાં મહાપાલિકામાં શાસકો પણ માર્ગદર્શકો બેસાડવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. અગાઉ ભાજપ દ્વારા ચૂંટાયેલા નગરસેવકોમાં જે સીનીયરો અથવા સંગઠનમાં હોદ્દો ધરાવતા હોય તેને સંકલનની જવાબદારી સોંપવામાં આવતી હતી પરંતુ હવે મહાપાલિકામાં જે 68 કોર્પોરેટરો વિજેતા બન્યા તેમાં સૌથી વધુ સીનીયર પુષ્કરભાઈ પટેલ કે જેઓ ત્રીજી ટર્મ ચૂંટાયા છે.
બાકીના 19 કોર્પોરેટરો બીજી ટર્મમાં ચૂંટાયા છે અને 48 તદન નવા છે. આવામાં મહાપાલિકામાં સંકલનની જવાબદારી શહેર ભાજપના પાંચેક સીનીયર નેતાને સોંપવામાં આવે તેવી સંભાવના છે. શાસકો પણ સીનીયરની નેતાઓની બેસાડી દેવામાં આવશે.