રાજકોટથી મોરબી બ્રાન્ચે રોકડ આપવા માટે મોકલ્યોને પલાયન થઈ ગયો હતો
રાજકોટમાં ગુજરી બજારમાં આવેલા કમલેશકુમાર કાંતીલાલ જૂના આંગડીયા પેઢીમાંથી એક માસ પહેલા રાખેલો કર્મચારી આંગડીયાના રૂ.૪૦ લાખ રોકડ લઈ નાસી ગયો હોવાની ઘટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે મામલે એ ડિવિઝન પોલીસ આરોપીની તાત્કાલિક શોધખોળ કરી હતી જેમાં તેનો મોબાઇલ સોખડા નજીક મળી આવતા તેનું પગેરું મેળવવા માટે પોલીસે તે દિશા તરફ વધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર પેડક રોડ, સીતારામ સોસાયટી-1માં રહેતા તખુજી બલદેવજી હડિયોલ નામના પ્રૌઢે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેને ત્યાં જ કામ એક માસથી કામ કરતા વિસનગરના જસ્કા ગામના જસ્મિન દિલીપ પટેલ નું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતું કે, પોતાની ગુજરી બજાર મેઇન રોડ પર મે.કમલેશકુમાર કાંતિલાલ જૂના આંગડિયા પેઢી ધરાવે છે. તેમની પેઢીની સૌરાષ્ટ્રભરમાં બ્રાંચ હોય રૂપિયા લેવા-દેવાના કામ માટે એક મહિના પૂર્વે જસ્મિનને નોકરીએ રાખ્યો હતો. થોડા સમયમાં જ તેને વિશ્વાસ કેળવી લીધો હોય શનિવારે તેને મોરબી સ્થિત અન્ય બ્રાંચમાં રૂ.40 લાખ પહોંચાડવાની જસ્મિનને વાત કરી હતી.
બાદમાં મોરબી મોકલવાના રૂ.40 લાખની રોકડનું પાર્સલ તૈયાર કરી પેઢીની ઓફિસમાં રાખીને રાતે ઓફિસ બંધ કરી ઘરે જતો રહ્યો હતો.ત્યાર બાદ રવિવારે સવારે સવા આઠ વાગ્યાના અરસામાં પોતે ઘરે હતા. ત્યારે જસ્મિનનો પોતે રોકડ લઇને મોરબી જવા નીકળતો હોવાનું અને ઓફિસની ચાવી કયાં રાખુંની વાત કરી હતી. જેથી તેને ચાવી બાજુમાં અન્ય આંગડિયા પેઢીમાં આપી દેવાનું અને મોરબી પહોંચીને પોતાને ફોન કરવાનું જણાવ્યું હતું. જસ્મિન રાજકોટથી નીકળ્યો તેને બે કલાક જેવો સમય વીતી ગયા બાદ મોરબી પેઢીના બ્રાંચ મેનેજર પ્રવીણભાઇને ફોન કરી જસ્મિન રોકડ લઇને આવી ગયો કે નહિ તેવું પૂછતા પ્રવીણભાઇએ જસ્મિન આવ્યો હોવાની વાત કરી હતી. હજુ નહિ
જેથી જસ્મિનને ફોન કર્યો હતો, પરંતુ તેને ફોન ઉપાડ્યો ન હતો. બાદમાં પોતે પેઢીની ઓફિસે ગયા હતા. ઓફિસે જતા જસ્મિનને લઇ જવાની આંગડિયાનું રસીદ ઓફિસમાંથી મળી આવ્યું હતું. જેથી ફરી જસ્મિનને ફોન કર્યો હતો, પરંતુ તેને વધુ એક વખત ફોન ઉપાડ્યો ન હતો. આમ અનેક વખત જસ્મિનને ફોન કરવા છતાં તેને નહિ ઉપાડતા અને રોકડ સાથે તે મોરબી પણ પહોંચ્યો ન હોય તે રોકડ લઇને નાસી ગયાનું માલૂમ પડતા એ ડિવિઝન પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેમાં તેના મોબાઈલનું લોકેશન જાણતા તે સોખડા નજીક મળી આવતા પોલીસે સોખડા જઇ આગળની તપાસ હાથધરી છે.