- જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં ટેન્ડર અંગેની પણ થશે ચર્ચા
રંગીલા રાજકોટના પ્રખ્યાત લોકમેળાની તૈયારીઓ હવે થોડા જ દિવસોમાં શરૂ થઈ જવાની છે. આના માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આવતીકાલે બેઠક યોજવામાં આવનાર છે.
રાજકોટના પ્રસિધ્ધ જન્માષ્ટમી લોકમેળામાં દર વર્ષે અંદાજે 15 લાખ જેટલા લોકો ઉમટી પડે છે. સતત પાંચ દિવસ સુધી રેસકોર્સ મેદાન મોજ- મસ્તી અને હલ્લા- ગુલ્લાનો જાણે મૂકામ બન્યો હોય તેવો માહોલ સર્જાય છે. આ લોકમેળામાં રમકડાના ૨૧૦ સ્ટોલ તેમજ ખાણીપીણીના નાના ૧૪ સ્ટોલ તેમજ મોટા ૨ સ્ટોલ તથા આઈસ્ક્રીમના ૧૬ સ્ટોલ હશે. તેમજ યાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ ૪૪ સ્ટોલ, ચકરડીઓ માટે ૫૨ સ્ટોલનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત સરકારી સંસ્થાઓ માટે ૨૬ સ્ટોલ હોય છે.
હવે જન્માષ્ટમી નજીક આવતા લોકમેળા સમિતિ દ્વારા હવે મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને અગાઉ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પણ તે બેઠક અનિવાર્ય કારણોસબબ રદ કરવામાં આવી હતી. હવે આવતીકાલે ફરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5:30 વાગ્યે લોકમેળા સમિતિની બેઠક મળવાની છે.
આ બેઠકમાં કમિટીની રચના કરી કોને કઈ જવાબદારી સોંપવી તે નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં સ્ટોલ ભાડા બાબતે હાલના તબક્કે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. બેઠકમાં વિવિધ ટેન્ડર અંગેની ચર્ચા પણ કરવામાં આવનાર છે.