વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું રાજકોટમાં થયું સાકાર

લાઈટ હાઉસ પ્રોજેક્ટના અમલ માટે મધ્યપ્રદેશ, તમીલનાડુ, ઝારખંડ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશની સાથો-સાથ ગુજરાતના રાજકોટ શહેરનો પણ સમાવેશ

દરેક છેવાડાના માનવીનું પોતાનું પાકું ઘર હોય જેના થકી ઘરના સભ્યો એક છત નીચે શાંતિ, સલામતી અને સુરક્ષા મેળવીને સમૃધ્ધિની રાહ પર વિકાસ સાધીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે.આ સ્વપ્નને નક્કર સ્વરૂપ આપવાનું કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના રૈયા સ્માર્ટ સીટીના ટી.પી. સ્કીમ નં 32 માં 45 મી. રોડ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણાધીન ગ્લોબલ હાઉસીંગ ટેક્નોલોજી ચેલેન્જ અંતર્ગત 1144 આવાસોનો લાઈટ હાઉસ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે.  સ્માર્ટ સિટી વિસ્તારમાં બનાવવામાં આવેલા 3 તળાવો પૈકી 1 તળાવ આ આવાસ યોજનાની નજીકમાં જ આવેલું છે, જેનો લાભ આવાસ યોજનાના લાભાર્થીઓ મળશે.

મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ  દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના  અર્બન મિશન અંતર્ગત વિશ્વના સૌથી મોટા પબ્લિક હાઉસિંગ પ્રોગ્રામ હેઠળ-2022 સુધીમાં દરેક નાગરિકોને મજબુત, પાક્કા અને ટકાઉ રહેઠાણો સહિત પાયાની તમામ સુખ – સુવિધાઓ પૂરા પાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે સમગ્ર દેશમાં કુલ 6 રાજ્યોમાં 6 જુદી જુદી ટેક્નોલોજીના ઉપયોગથી 6300 થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મધ્યપ્રદેશના ઈન્દોર, તમીલનાડુના ચેન્નઈ, ઝારખંડના રાંચી, ત્રિપુરાના અગરતલ્લા અને ઉત્તર પ્રદેશના લખનૌની સાથોસાથ ગુજરાતના રાજકોટ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઘણા દેશોમાં બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શન માટે પહેલેથી જ આ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવેલા આવાસોના નિર્માણ માટે મોનોલીથીક ટેકનોલોજીનો ઉપયોગ સૌ પ્રથમ વાર કરવામાં આવ્યો છે. જે બોક્સ ટાઈપ સ્ટ્રકચર આધારીત છે. મોનોલીથીક ટેકનોલોજીથી આવાસો ઝડપથી અને ઓછી કિંમતે, મજબુત અને ટકાઉ બની શકે છે, સ્ટીલ અથવા પ્લાયવુડ શટરિંગ ફોર્મ વર્ક સિસ્ટમનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીને ટનલ ફોર્મમાં ઢાળીને બે અડધા રૂમ બનાવી તેને એકસાથે મૂકીને દિવાલો બનાવવામાં આવે છે અને સ્લેબ પણ એક જ દિવસમાં નાખવામાં આવે છે. આવી રીતે તૈયાર કરાયેલા મકાનો ભુકંપપૃફ અને વાવાઝોડા સામે મજબુતાઈથી ટકી શકે છે.

આ આવાસ સાથે અહીં આશરો મેળવનારા લોકોને પાયાની અને જીવન જરૂરીયાતની પ્રાથમિક તમામ વસ્તુઓ સરળતાપૂર્વક નજીકના સ્થળેથી પ્રાપ્ત થઈ શકે, તેવા હેતુને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ કોમ્પ્લેક્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ આવાસમાં વસતા લોકો માટે પાર્કિંગની સુવિધા, બાળકો માટે આંગણવાડી, કોમ્યુનીટી હોલ તેમજ બગીચા જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવમાં આવશે. લાઈટ હાઉસ પ્રોજેક્ટના લોકાર્પણ થતા એકસાથે 1144 કુટુંબોના ઘરમાં ખૂશીનો શક્તિપુંજ જોવા મળશે.

  • લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત લાભાર્થીઓને મળશે સગવડતાથી સજ્જ ઘર

રાજકોટમાં અંદાજિત રૂ. 125 કરોડના ખર્ચે કુલ 76,454.59 ચો.મીના ટોટલ બિલ્ટ અપ એરીયામાં નિર્માણ પામેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1144 આવાસ બનાવવામાં આવ્યા છે. જેમાં 13 માળના 11 ટાવર બનાવવામાં આવ્યા છે. 6741.66 ચો.મી. એરીયા એક ટાવર માટે ફાળવવામાં આવ્યો છે. એક માળ પર 8 આવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક આવાસ અંદાજિત રૂ. 10.39 લાખમાં તૈયાર થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 5.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 1.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે. જ્યારે લાભાર્થીઓ દ્વારા રૂ. 3.39 લાખ ચુકવવામાં આવે છે. આવાસમાં લીવીંગરૂમ, બેડરૂમ, સ્ટડીરૂમ, કિચન, વોશિંગ એરીયા, બે ટોઈલેટ-બાથરૂમ, વીટ્રીફાઈડ ટાઈલ્સ, લાઈટ-પાણી, સુંદર હવા-ઉજાસ, રસોડામાં પાઈપ્ડ ગેસ, પ્લેટફોર્મની નીચે કેબીનેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.