રાજ્યના 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર: સવારના સુમારે આકાશમાં આછા વાદળો છવાયા
આ વર્ષ વહેલી પ્રિ-મોનસુન એક્ટિવીટીનો જાણે વહેલો આરંભ થઇ ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. ગુરૂવારે રાજકોટ અને જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. દરમિયાન શુક્રવારે ફરી રાજ્યમાં ગરમીનું જોર વધ્યુ હતું. 41.9 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યુ હતું. આજે સવારે આકાશમાં આછેરા વાદળો છવાયા હતા. બફારાનો પણ અહેસાસ થતો હતો. દરમિયાન આજથી ફરી ગરમીનું જોર વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આી રહી છે.
શુક્રવારે રાજ્યના 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહેવા પામ્યો હતો. સામાન્ય રીતે 15 મે બાદ પ્રિ-મોનસુન એક્ટિવીટીનો આરંભ થતો હોય છે. આ વર્ષ જેમ માર્ચ માસના પ્રથમ સપ્તાહથી ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ હતી તે રીતે પ્રિ-મોનસુન એક્ટિવીટીનો આરંભ પણ એક પખવાડીયા પહેલા શરૂ થઇ ગયો છે. છેલ્લા એકાદ સપ્તાહથી બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. ગુરૂવારના રોજ રાજકોટ અને જામનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદર પડ્યો હતો. ગઇકાલે પણ અમુક સ્થળોએ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર શુક્રવારે 41.9 ડિગ્રી સેલ્શીયસ સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યુ હતું. આ ઉપરાંત અમદાવાદનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 40.6, ગાંધીનગરનું તાપમાન 41.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું 40.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.8 ડિગ્રી, ભૂજનું તાપમાન 41 ડિગ્રી, કંડલા એરપોર્ટ 41.2 ડિગ્રી, અમરેલીનું તાપમાન 41.5 ડિગ્રી, રાજકોટનું તાપમાન 41.9 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41.8 ડિગ્રી અને જૂનાગઢનું તાપમાન 40.5 ડિગ્રી નોંધાયુ હતું.
આજે સવારે વાતાવરણમાં થોડો પલટો જોવા મળ્યો હતો. આકાશમાં આછેરા વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. બફારાનો અનુભવ થયો હતો. આજે પણ અમુક સ્થળોએ સીવી ફોર્મેશનના કારણે ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. આજથી ગરમીનું જોર પણ વધશે.