રાજકોટમાં નવરાત્રિ જોવા આવેલા પરિવાર પર રઘવાયા સાંઢની જેમ આવતો ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે જ ત્રણનાં કરુણ મોત નીપજ્યા હતા. જેમાં પતિ-પત્ની અને પુત્રીનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ નવરાત્રિ જોવા માટે રાજકોટ આવેલો પરિવાર ( GJ3- FH- 3944 ) નંબરની બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રાજકોટ-ભાવનગર હાઇવે પર આજીડેમ નજીક અજાણ્યા ટ્રક ચાલકે તેને અડફેટે લીધા હતા. આથી બાઇક પર સવાર પતિ-પત્ની અને 15 વર્ષની પુત્રી રોડ પર પટકાયા હતા અને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બનાવને લઇને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.પરિવારની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.