છૂટાછેડા બાદ માતા પાસે રહેલા પુત્રને મળવા આવેલા યુવકને ચોથા માળેથી પૂર્વ સાસરીયાએ ફેંકી દીધાની આશંકા
મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે ખસેડાયો
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવાનનું ગઇ કાલે સાંજે ચોથા માળેથી પટકાતાં મોત નિપજ્યું હતું. જેમાં મૃતકના પરિવારજનોએ યુવાનના પૂર્વ સાળા અને સાસરિયાઓએ તેને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ કરતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારમાં રાણીમા રૂડીમા ચોક પાસે આવેલા બાર માળિયા ક્વાર્ટર્સના કમ્પાઉન્ડમાં અંદાજે 40 વર્ષની વયના યુવકની લાશ પડી હોવાની જાણ થતાં શનિવારે રાત્રે યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી, પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની પૂછપરછ કરતા કોઇએ પણ મૃતકને ઓળખી બતાવ્યો નહોતો અને યુવકનું કેવી રીતે મૃત્યુ થયું તે અંગે પણ બોલવા કોઇ તૈયાર નહોતું.
પોલીસે ખાનગી રાહે તપાસ કરતાં મૃતક યુઆવન રૈયાધાર વિસ્તારનો જ રિક્ષાચાલક સિકંદર સલીમભાઇ સોલંકી (ઉ.વ.40) હોવાનું ખુલ્યું હતું, પોલીસે મૃતકના ભાઇને બોલાવીને પૂછપરછ કરતાં પોલીસ તપાસને દિશા મળી હતી. મૃતક યુવાનના પ્રેમલગ્ન થયા હતા પરંતુ પત્ની સાથે મનમેળ ન આવતા તેઓએ છૂટાછેડા કર્યા હતા. જેમાં પોતાના પુત્રને મળવા સિકંદર અવારનવાર તેની પૂર્વ પત્નીના ઘરે જતો હતો. જ્યાં તેમના સાળા સહિત સાસરિયાંઓ માથાકૂટ કરતા હતા.
ગઇ કાલે સાંજે સિકંદર તેના પુત્રને મળવા માટે ગયો હતો. જ્યાં છઠ્ઠા માળે તેની પૂર્વ પત્નીને મળવા જતો હતો ત્યારે જ તેનો સાળો ચોથા માળે મળી ગયો હતો અને માથાકૂટ કરી હતી. જેમાં સિકંદરને તેના સાળાએ તેને ચોથા માળેથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો છે.
મૃતક સિકંદરના પરિવારજનોએ હત્યાના આક્ષેપ કરતા સાળા સહિતનાઓએ સિકંદર સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી તેને ચોથા માળેથી નીચે ઘા કરી દેતા સિકંદરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં સહુથી શંકાસ્પદ બાબત એ હતી કે, સિકંદર સાથે તેના પૂર્વ સાળાએ માથાકૂટ કરી હતી તે એજ એપાર્ટમેન્ટમાં રહે છે છતાં સિકંદરના મૃતદેહને કલાકો સુધી અજાણ્યા તરીકે પડી રહ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.