કોર્પોરેશને બનાવેલા શહેરના પ્રથમ એસી હોલમાં વર-કન્યાના રૂમ વિહોણો: હવે નવેસરથી ખર્ચો
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.10માં એસએનકે સ્કૂલની બાજુમાં કરોડો રૂપિયાના ખર્ચે શહેરનો પ્રથમ એસી કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે. હોલનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું ત્યારે તત્કાલીન મેયર બિનાબેન આચાર્યએ હોલમાં વર-ક્ધયાના રૂમનું નિર્માણ ન કરવા માટેનું સૂચન કર્યું હતું. હવે આ સ્ત્રીહઠ શાસકોને ભારે પડી રહી છે. લોકાર્પણના ત્રણ વર્ષ બાદ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલના બંને યુનિટમાં ચાર પાર્ટીશન રૂમ બનાવવા અને સેન્ટ્રલી એસી યુનિટ પર છાપરૂં બનાવવા માટે રૂ.30.72 લાખનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
વોર્ડ નં.10માં બનાવવામાં આવેલા આ કોમ્યુનિટી હોલમાં સેન્ટ્રલી એસીની સુવિધા છે. આ હોલનું ભાડું પણ તોતીંગ રાખવામાં આવ્યું છે. પરંતુ અહિં યુનિટ-1 કે યુનિટ-2 પર વર-ક્ધયાના તૈયાર થવા માટે એકપણ રૂમ બનાવવામાં આવ્યા નથી. ટોપ ફ્લોર ઉપર 3 થી 4 રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે સગાઇ અને લગ્નના પ્રસંગો દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હોલ ભાડે રાખનારની રજૂઆત અને મુશ્કેલીને ધ્યાનમાં રાખી હવે કોર્પોરેશન દ્વારા કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલના બંને યુનિટોમાં વર અને ક્ધયાના ઉપયોગ માટે 165 ચોરસ મીટરના ચાર પાર્ટીશન રૂમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રીજા માળે સેન્ટ્રલી એસીના યુનિટ પર 460 ચોરસ મીટરનું છાપરું બનાવવા માટે 30.72 લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આ કામ માટે અલગ-અલગ ચાર એજન્સીઓએ ટેન્ડર સબમીટ કર્યા હતા. જે પૈકી ત્રણ એજન્સીના ટેન્ડર માન્ય રહ્યા હતા. રૂ.22.59 લાખનું મૂળ કામ 36 ટકા ઓન સાથે રૂ.30.72 લાખમાં કરી આપવા વિરાણી રમેશભાઇ રાઘવભાઇ દ્વારા ઓફર આપવામાં આવી હતી. જે મંજૂર કરવા દરખાસ્ત રજૂ કરાઇ છે. જ્ઞાતિ અને સમાજની વાડી કે કોમ્યુનિટી હોલમાં પણ વર-ક્ધયા માટે અલાયદા રૂમનું નિર્માણ કરવામાં આવતું હોય છે. પરંતુ કોર્પોરેશન તંત્રએ મેયરની સ્ત્રીહઠ સામે ઝૂકતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા પ્રથમ કોમ્યુનિટી હોલમાં વર-ક્ધયા માટે અલાયદા રૂમ ન બનાવતા હવે લોકાર્પણના ત્રણ વર્ષ પછી નવેસરથી કોમ્યુનિટી હોલમાં રૂમ બનાવવાની પળોજણ ઉભી થઇ છે.