મિત્રને તેડવા જતી વેળાએ ટ્રકની ઠોકરે સર્જાયેલા અકસ્માતમાં ભાવિ તબીબ કાળનો કોળિયો બનતા પરિવારમાં કલ્પાંત
શહેરની શક્તિ સોસાયટી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની ત્રણ માસ પૂર્વે તેની મિત્રને તેડવા જતી વેળાએ ટ્રક ચાલકે ઠોકર મારતાં તેણીનું લાંબી સારવાર બાદ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ભાવિ તબીબનું મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રજાપતિ ભવન પાસે શક્તિ સોસાયટીમાં રહેતી અને બી.જી.બારૈયા કોલેજમાં આર્યુવેદમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી કોમલબેન કિશોરભાઈ બલગામ નામની 21 વર્ષીય વિધાર્થિનીનું ત્રણ માસ પૂર્વે માધાપર ચોકડી પાસે અકસ્માત થયું હતું. અકસ્માતના પગલે ગંભીર રીતે ઘવાયેલી વિદ્યાર્થિની કોમલબેન બલગામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં લાંબી સારવાર બાદ કોમલબેનએ દમ તોડયો હતો.
આ ઘટના અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ કોમલબેન ત્રણ માસ પહેલા પોતાના વાહન પર તેણીની મિત્રને તેડવા ઘંટેશ્વર જઈ રહી હતી.
તે દરમિયાન માધાપર ચોકડી પાસે ટ્રક ચાલકે ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં લાંબી સારવાર બાદ કોમલબેન દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. મૃતક કોમલબેન પિતા ફરસાણનું કામ કરતા હોય અને પોતે બી.એ.એમએસ આર્યુવેદનો અભ્યાસ કરતી હોવાનુ જાણવા મળ્યું છે.