- પોલીસના મારથી યુવકના મોતના મામલે
- હોસ્પિટલ ચોક ખાતે લાશને રાખી ચક્કાજામ અને પથ્થરમારો કરતા મામલો ગરમાયો‘તો
રાજકોટ એસ.ટી. વર્કશોપ વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં સમજાવવા ગયેલા આંબેડકરનગરના યુવકને પોલીસે માર મારતા તેનું મોત નિપજતાં તેના પરિવારજનોએ મૃતદેહને હોસ્પિટલ ચોકમાં લઈ જઈ ચક્કાજામ બાદ પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરતા ડીસીપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો દોડી જઈ હત્યામાં આરોપી એએસઆઈ સહિત આરોપીઓની 48 કલાકમાં ધરપકડ કરવાની ખાત્રી આપતા પરિવારજનોએ અંતે મૃતદેહ સ્વીકારતા પોલીસે આ રાહતનો દમ લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ આંબેડકરનગરમાં રહેતા ગીતાબેન હમીરભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી જેમાં તા.14ની રાત્રીએ ખોડિયારનગરમાં રહેતા રાજુભાઇ સોલંકી અને તેના પુત્ર જયેશને પાડોશી સાથે માથાકૂટ થતાં જયેશ તેના ઘેર આવી પાડોશીએ પોલીસ બોલાવી હોવાનું જણાવ્યું હતું અને તેને સમજાવવા માટે ઘેર આવ્યો હતો. જેથી તેના પતિ હમીરભાઈ તેની સાથે ગયા હતા ત્યાર બાદ તેના પુત અરમાને ઘેર આવી વાત કરી હતી કે, પપ્પાને માર મારી પોલીસ ગાડીમાં લઇ ગઈ હતી.
જેથી હમીરભાઈની માતા કેશુબેન સહિતનાઓ માલવિયાનગર ગયા હતા અને ત્યારબાદ તેને રાત્રે પાડોશી નાનજીભાઈ તેના એક્ટિવામાં બેસાડી ઘેર લઇ આવ્યા હતા અને સૂઇ ગયા બાદ સવારે બેભાન થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બનાવની ડીસીપી સુધીરકુમાર દેસાઈએ તપાસના આદેશ કરતાં પાડોશી વચ્ચે માથાકૂટના મામલે મૃતક હમીરભાઈ સમાધાન માટે વચ્ચે આવી પોલીસ સાથે માથાકૂટ થઇ હતી જે મામલે માલવિયાનગર પોલીસે તેની અટકાયત કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પીઆઈ દેસાઇએ અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન હમીરભાઈનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. પોલીસે મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો આ બનાવની ને પગલે મૃતકના સગા, સંબંધી અને સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતા. પરિવારે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં કરો ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી મૃતદેહને હોસ્પિટલ ચોકમાં આવેલ બાબા આંબેડકરની પ્રતિમા પાસે લઇ જઈ પોલીસ હાય- હાયના નારા લગાવ્યા હતા. વાહનોને રોકી ચક્કાજામ કરી પથ્થર મારો કર્યો હતો અને થોડા સમય માટે મામલો વિચક્યો હતો.
પરંતુ ડીસીપી ક્રાઈમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસે એએસઆઈ અશ્વીન કાનગડ સહિતના આરોપીઓને પકડી લેવા ખાત્રી આપતા પરિવારે લાશ સ્વીકારી હતી.