પુત્રી ભાગી ગયાની શંકાએ પરિવારે વતનની વાટ પકડી લીધી: વાડી માલિકનો ફોન આવતા પરત ફર્યા: પરિવારમાં ગમગીની
રાજકોટની ભાગોળે આવેલા ગૌરીદડ ગામે પેટીયું રળવા આવેલા પરિવારે પુત્રી ભાગી ગયાની શંકાએ વતનની વાટ પકડી હતી. ત્યારે સરધાર પહોંચેલા પરિવારને વાડી માલિકે ફોન કરી પુત્રીની લાશ કુવામાં પડી હોવાની જાણ કરતા પરિવાર પરત ફર્યો હતો. યુવતીના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ભાગોળે આવેલા ગૌરીદડ ગામે પરિવાર સાથે પેટીયું રળવા આવેલી નાનકીબેન ઉર્ફે શર્મિલાબેન જુવાનસિંહ આદિવાસી નામની 18 વર્ષની યુવતીની લાશ કૂવામાં તરતી હોવાની જાણ થતા ગ્રીનલેન્ડ લોકેશનના 108ના પાયલોટ રવિભાઈ નિમાવત અને ડોક્ટર ભાવેશભાઈ વાઢેરને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.જેમાં 108ની ટીમે જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક નાનકીબેન આઠ બહેનમાં વચ્ચેટ છે અને બે વર્ષ પહેલા તેણીની સગાઈ થઈ ગઈ હતી. જેના હોળી બાદ તેણીના લગ્ન હતા. નાનકી ઉર્ફે શર્મિલા બેનની નાની બહેન અગાઉ ભાગી ગઈ હતી અને નાનકી ઉર્ફે શર્મિલા બેન બાજુની વાડીમાં સામાન લેવા જવાનું કહી તે પણ ઘરે હાજર નહીં મળી આવતા નાનકીબેન ભાગી ગઈ હોવાની શંકાએ પરિવાર વહેલી સવારે વતનમાં જવા નીકળી ગયો હતો.
ત્યારે સરધાર પાસે પહોંચતા વાડી માલિક નીતિનભાઈ અજાણીએ પરપ્રાંતીય પરિવારને ફોન કરી તેમની પુત્રીની લાશ કૂવામાં પડી હોવાની જાણ કરતા પરિવાર પરત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથધરી છે.