રખડતા-ભટકતા ઢોર મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢ્યા બાદ તંત્ર હરકતમાં: મજૂર, સ્ટાફ વધારાશે
રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોરના ત્રાસના કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઢોરના ત્રાસથી બનતી જીવલેણ દુર્ઘટનાઓ કોઇ કાળે અટકાવાનું નામ લેતી નથી. આવામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગઇકાલે રાજ્ય સરકારની જોરદાર ઝાટકણી કાઢવામાં આવી હતી. અદાલતની ટકોર બાદ રાજ્ય સરકારે પણ 10 કરોડની જોગવાઇ ઢોરના ત્રાસને હલ કરવા માટે કરી છે.
સાથોસાથ ઢોર ડબ્બા ખાતે ઢોર મફ્તમાં રાખી શકાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં તંત્ર હવે હરકતમાં આવી ગયું છે. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં રાત્રે પણ રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તેવી ઘોષણા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટ મહાનગર પાલિકાની ઢોર પકડ પાર્ટીની બે ટીમો દ્વારા હાલ સવાર અને બપોરની એમ બે શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
દિવસ દરમિયાન રોજ 25થી 30 ઢોર પકડવામાં આવી રહ્યા છે. દરમિયાન ગઇકાલે હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોરનો અભ્યાસ કર્યા બાદ હવે પગલા લેવામાં આવશે. આગામી દિવસોમાં ટીમ વધારી, વાહનો વધારી અને મજૂરોની સંખ્યા વધારી રાત્રે પણ રાજમાર્ગો પરથી ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે માલધારીઓ પાસે પશુધન રાખવા માટે વ્યવસ્થા નથી તેના માટે કોર્પોેરેશન દ્વારા એનિમલ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ કોર્પોરેશનના ઢોર ડબ્બા ખાતે 1300થી વધુ ઢોર વસવાટ કરી રહ્યા છે.
રાજમાર્ગો પરથી પકડાતા ઢોર છોડાવવા માટે હાલ મોટા ઢોરનો રૂ.1000 અને નાના ઢોરનો રૂ.500 દંડ વસૂલ કરવામાં આવે છે. ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવતા ઢોરની નિભાવણી માટે પ્રતિ દિવસ મોટા ઢોરના રૂ.700 અને નાના ઢોરના રૂ.400 વસૂલવામાં આવે છે. અગાઉ પણ દંડ અને નિભાવણી ચાર્જ વધારવા માટે વિચાર કરવામાં આવ્યો હતો. આ અંગે હવે આગામી દિવસોમાં ફેર વિચારણાં કરવામાં આવશે અને જરૂર પડશે તો દરખાસ્ત કરવામાં આવશે અને દંડની રકમ વધારવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટવાસીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે આગામી દિવસોમાં ખાસ અધિકારીની આ માટે નિમણૂંક કરવામાં આવશે. અદાલતના નોટીંગની નકલ મળ્યા બાદ તેનો અભ્યાસ કરાશે અને ત્યારબાદ ચુસ્ત અમલવારી કરવામાં આવશે.