ભાવીકોની આસ્થા સાથે ચેડા: ફરાળી પેટીસ બનાવવા મકાઈના લોટનો ઉપયોગ

ચોકલેટ પેંડા, કેશર પેંડા અને મિક્સ ફલેવર ચોકલેટ સહિત 4 ખાદ્ય સામગ્રીના નમુના લેવાયા: ટેબલ માર્ગેરીંગનો નમુનો ફેઈલ

વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ લોકોની ધાર્મિક લાગણીઓ સાથે ચેડા કરતા રતિભાર પણ અચકાતા નથી. પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શ્રાવણ મહિનાના વ્રત કરતા ભાવિકોના વ્રતને વેપારીઓ અભડાવતા હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ફરાળી પેટીસ બનાવવા માટે મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલુમ પડતા કોર્પોરેશનની આરોગ્ય શાખાના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

હનુમાન મઢી ચોકમાં મુરલીધર ફરસાણમાં મકાઈના લોટવાળી 30 કિલો પેટીસ, 18 કિલો મકાઈનો લોટ અને 7 કિલો માવાનો નાશ કરાયો

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શ્રાવણ માસમાં કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ફરાળના ધંધાર્થીને ત્યાં નિયમીતપણે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. હનુમાન મઢી ચોકમાં મુરલીધર ફરસાણમાં ચેકિંગ દરમિયાન એવું માલુમ પડ્યું કે, ફરાળી પેટીસ બનાવવા માટે વેપારી દ્વારા મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. 30 કિલો મકાઈના લોટવાળી પેટીસનો નાશ કરાયો હતો અને ત્રણ કિલો મકાઈના લોટનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

અહીં પારસ સ્વીટમાર્ટમાંથી 15 કિલો મકાઈના લોટનો નાશ કરાયો હતો. જ્યારે મોટી ટાંકી ચોકમાં સ્નેક બાઈટમાં 3 કિલો પેટીસ, હનુમાન મઢી ચોકમાં દાસ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી મોળા માવાનો નાશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સદર બજાર, માધાપર, શિતલ પાર્ક અને રામાપીર ચોકડી વિસ્તારમાં ભારત ફ્રૂટ, એચ.આર.પાઈનેપલ વાળા, સુલેમાન હાજી એન્ડ સન્સ, એચ.એસ.કેળાવાળા, ગોલ્ડ કેલા કોલ્ડ, ફેમશ કેલા કોલ્ડ, પટેલ કેળા અને ગોલ્ડ કેલા કોલ્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

લીંમડા ચોકમાં પંચનાથ મંદિર સામે શ્રી ગુરુકૃપા પેંડાવાલામાંથી ચોકલેટ પેંડા, મોચી બજાર મેઈન રોડ પર જનક બેકરીમાંથી માઈ ફ્રૂટ સેલીબ્રેશન મિક્સ ફલેવર ચોકલેટ, બાલાજી ટ્રેડીંગ કંપનીમાંથી ડે-મિલક સુગર બોઈલ્ડ ક્ધફેશનરી અને બેડીપરામાં ભાવનગર રોડ પર શ્રીક્રિષ્ના ડેરી ફાર્મમાંથી લુઝ કેસર પેંડાના નમુના લેવામાં આવ્યા હતા. જ્યારે કોઠારીયા મેઈન રોડ પર શ્યામ ડેરીફાર્મમાંથી લેવામાં આવેલા મીના ન્યુટ્રીલાઈય ટેબલ માર્ગેરીંગના નમુનામાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના ધારા-ધોરણ મુજબ ન હોવાના કારણે નમુનો નિષ્ફળ જાહેર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.