રાજમાર્ગો પરથી નીકળેલી અંતિમયાત્રાને રાજકોટવાસીઓએ અશ્રુ સાથે અર્પી શ્રધ્ધાંજલી: શોકનો માહોલ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિ

ચાંદીના રથમાં નીકળી ઠાકોર સાહેબની પાલખીયાત્રા

રાજકોટના રાજવી, ગુજરાત સરકારના પૂર્વ નાણામંત્રી અને ઉચ્ચ કોટીના ક્રિકેટર મનોહરસિંહજી પ્રધ્યુમનસિંહજી જાડેજાનું ગુરૂવારે સાંજે ૮૩ વર્ષની જૈફ વયે અવસાન થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉંડા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. રાજવી પરંપરા અનુસાર આજે ૯ બંદૂકની સલામી આપ્યા બાદ રાજકોટના રાજમાર્ગો પર નિકળેલી ઠાકોર સાહેબની અંતિમયાત્રામાં હજ્જારો લોકો જોડાયા હતા. રાજકોટ જાણે રાંક બની ગયું હોય તેવો શોકમય માહોલ જોવા મળતો હતો. રાજમાર્ગો પરથી નીકળેલ અંતિમયાત્રાને રાજકોટવાસીઓએ અશ્રુ સાથે શ્રધ્ધાંજલી અર્પી હતી. શહેરના રામનાથપરા મુક્તિધામ ખાતે દાદાની અંતિમવિધિ કરવામાં આવી હતી. માંધાતાસિંહ જાડેજાએ મુખાગ્ની આપી હતી. રાજકોટના રાજવીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. અંતિમયાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિગ્ગજો જોડાયા હતા.

5 35ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પાંચ-પાંચ વખત ચૂંટાયા અને બે વખત કેબીનેટ મંત્રી તરીકે રહી ચૂકેલા રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાનો જન્મ તા.૧૮ નવેમ્બર ૨૦૩૫ની રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. ૮૩ વર્ષની જૈફ વયે તેઓએ ગઈકાલે એટલે કે ગુરૂવારે સાંજે ફાની દુનિયાને અલવીદા કહેતા રાજકોટ જાણે રાંક બની ગયું હોય તેવો શોકમય માહોલ છવાઈ ગયો છે. આજે સવારે રાજકોટ ખાતે જ દાદાની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ પૂર્વે રણજીત વિલાસ પેલેસ ખાતે સવારે ૮ થી ૧૦ દરમિયાન બે કલાક માટે દાદાનો પાર્થિવ દેહ અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ઠાકોર સાહેબના અંતિમ દર્શન માટે રીતસર માનવ મહેરામણ ઉમટી પડયું હતું. રાજવી પરંપરા અનુસાર સવારે ૧૦ કલાકે ૯ બંદૂકની સલામી આપ્યા બાદ અંતિમયાત્રા નિકળી હતી. જેમાં રાજકોટ પોલીસનું બેન્ડ અને ૨૦ ઘોડે સવાર પોલીસમેન જોડાયા હતા. હાથીખાના, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, લાખાજીરાજ બાપુના બાવલા, ભુપેન્દ્રરોડ, હાથીખાના થઈ આ અંતિમયાત્રા રામનાથપરા મુક્તિધામ પહોંચી હતી જયાં દાદાના પાર્થિવ દેહ તેમના સુપુત્ર માંધાતાસિંહે મુખાગ્મી આપી હતી. દાદાનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન થતા હજારો આંખો રોઈ પડી હતી.

7 31અંતિમયાત્રાના રૂટ પર રાજકોટના રાજવીને શ્રધ્ધાંજલી અર્પવા માટે લોકો રીતસર શિસ્તબધ્ધ રીતે લાઈનમાં ઉભા રહી ગયા હતા અને પુષ્પાંજલી અર્પણ કરી ઠાકોર સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિગ્ગજો દાદાની અંતિમયાત્રામાં જોડાયા હતા.

માંધાતાસિંહ જાડેજાની ઠાકોર સાહેબ તરીકે તિલકવિધિ

રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાનું ૮૩ વર્ષની જૈફ વયે ગઈકાલે સાંજે નિધન થયું છે. રાજવી પરંપરા અનુસાર રાજગાદી કયારેય ખાલી રહેતી ન હોય દાદાની અંતિમવિધિના થોડા કલાક અગાઉ જ યુવરાજ સાહેબ માંધાતાસિંહ જાડેજા (મયુર રાજા)ની ઠાકોર સાહેબ તરીકે વિધિવત રીતે તિલક વિધિ કરવામાં આવી હતી. જયારે ટીકા સાહેબ જયદીપસિંહ જાડેજા હવે રાજકોટના યુવરાજ બની ગયા છે.

નવ બંદૂકની સલામી: ચાંદીના રથમાં નિકળી દાદાની પાલખીયાત્રાuntitled 1538110496

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાની અંતિમવિધિ પુર્વે આજે તેઓને રાજવી પરંપરા અનુસાર રણજીત વિલાસ પેલેસ ખાતે નવ બંદૂકની સલામી આપવામાં આવી હતી. એટલે કે નવ બંદૂકમાંથી ફાયરીંગ કર્યા બાદ અંતિમવિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચાંદીના રથમાં ઠાકોર સાહેબની પાલખીયાત્રા રણજીત વિલાસ પેલેસ ખાતેથી નીકળી હાથીખાના, પેલેસ રોડ, ગુદાવાડી પોલીસ ચોકી, આરએમસી ચોક, ત્રિકોણબાગ લાખાજીરાજ બાપુના બાવલા પાસે, ભુપેન્દ્ર રોડ અને હાથીખાના થઈ રામનાથપરા મુક્તિધામે પહોંચી હતી જયાં રાજવી પરિવારના અંતિમ વિસામા ખાતે દાદાની અંતિમવિધિ કરવામાં આવી હતી.

દાદાના અંતિમ દર્શનાર્થે લોકો ઉમટયા: આંસુનો દરિયો

રાજકોટના રાજવી ઠાકોર સાહેબ મનોહરસિંહજી પ્રધ્યુમનસિંહજી જાડેજાનું ગઈકાલે અવસાન થયું હતું. આજે સવારે હાથીખાના સ્થીત રણજીત વિલાસ પેલેસ ખાતે તેઓનો પાર્થિવ દેહ અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. પ્રજાવત્સલ રાજવીના અંતિમ દર્શન માટે રીતસર માનવ મહેરામણ ઉમટયું હતું. પોતાના રાજવીના અંતિમ દર્શન કરતી વેળાએ રાજકોટવાસીઓ પોતાના આંસુઓને રોકી શકયા ન હતા. આજે જાણે રાજકોટ જાણે રાંક બની ગયું હોય તેવો શોકમય માહોલ જોવા મળી રહ્યો છે. અંતિમયાત્રાના રૂટ પર ઠાકોર સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે ઉભેલા લોકોની આંખો પણ રડતી જોવા મળી હતી. દાદાનો દરબાર કાયમી માટે ગરીબો માટે એક આશરો હતો જયાં જવાથી તમામ સમસ્યાનું નિરાકરણ થઈ જતું હતું.

વડાપ્રધાન, મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે આપી શ્રધ્ધાંજલી

રાજકોટના રાજવી અને રાજય સરકારના પૂર્વ નાણામંત્રી ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાનું ગઈકાલે દુ:ખદ અવસાન થતાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિતના અનેક રાજકીય નેતાઓએ ટ્વીટરના માધ્યમથી તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાદાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે, તેઓ એક કુશળ રાજનેતા સાથે સારા વહીવટકર્તા પણ હતા. તેઓના નિધનથી એક મોટી ખોટ પડી છે.

પરમ કૃપાળુ પરમાત્મા તેઓની શાંતિ અર્પે તેવી અભ્યર્થના તેઓએ વ્યકત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈ કાલે દાદાને ટવીટરના માધ્યમથી શ્રધ્ધાંજલી અર્પણ કર્યા બાદ આજે તેઓએ રૂબરૂ દાદાની અંતિમયાત્રામાં જોડાયા હતા અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા સહિતના પરિવારોને શાંતવના પાઠવી હતી.

9 15મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ દાદાની અંતિમયાત્રામાં જોડાયા

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું ગઈકાલે નિધન થયા બાદ આજે સવારે રણજીત વિલાસ પેલેસ ખાતેથી રામનાથપરા મુક્તિધામ સુધી તેઓની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ દાદાની અંતિમયાત્રામાં સામેલ થયા હતા. આજે સવારે ૧૧ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ ગાંધીનગર ખાતેથી રાજકોટ દોડી આવ્યા હતા અને ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાની અંતિમયાત્રામાં સામેલ થયા હતા. તેઓએ દાદાના પાર્થિવ શરીરને પુષ્પાંજલી પણ અર્પણ કરી હતી અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા સહિતના દાદાના પરિવારજનોને શાંતવના પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.