ઝેરી દવા પી ગયાની શંકાએ પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડયો: વાલી વારસની શોધખોળ
શહેરના ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા જુના કુવાડવા પોલીસ મથકના પાછળ આવેલા પટ્ટમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચારી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રથમ નજરે યુવાનનું ઝેરી આરના કારણે મોત નિપજ્યું હોવાની શંકા જતા મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી તેના વાલી વારસની શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા જુના કુવાડવા પોલીસ મથકના પાછળના પટ્ટમાં કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં પડ્યો હોવાનુ રાહદારીને ધ્યાને આવતા તેઓએ તુરંત પોલીસ મથકમાં જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રથમ નજરે મૃતકને કોઈ ઝેરી આર થવાના કારણે મોત નિપજ્યું હોવાનુ તારણ મળતા તુરંત એફએસએલ પીએમ માટે લાશને ખસેડવામાં આવી છે. પોલીસે બનાવ અંગે જણાવ્યું હતું કે ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે તેવું જણાવ્યું હતું. આ સાથે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમના વાલી વારસની શોધખોળ પણ હાથધરી છે.